નાનાપોંઢા : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષો પૂર્ણ થવાના સુવર્ણ અવસરે નાના પોંઢા ખાતે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ તથા ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી દેશની સેવા માટે સમર્પિત મહાન રાષ્ટ્રસેવકની અવિરત યાત્રાને નમન કર્યા હતા.
‘સેવા પરમો ધર્મઃ’ ના સંકલ્પથી વિકસિત ભારત તરફની પ્રયાણ: આદિજાતિ મંત્રી નરેશ પટેલ કાર્યક્રમને સંબોધતા આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષની આ સેવાયાત્રા માત્ર એક સમયગાળો નથી, પરંતુ ‘સેવા પરમો ધર્મઃ’ના સંકલ્પથી લઈને ‘વિકસિત ભારત’ના સ્વપ્ન સુધીની અવિરત રાષ્ટ્રયાત્રા છે. આ સેવા જ્યોતિ દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રસેવાનો સંકલ્પ પ્રજ્વલિત કરશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના મહાસંકલ્પને સાકાર કરવાની નવી ઊર્જા પૂરી પાડશે.”
વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને બળ મળશે: ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રીના નેતૃત્વની સરાહના કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદી સાહેબે પોતાના જીવનનો ક્ષણે-ક્ષણ દેશના તમામ વર્ગો અને ખાસ કરીને આદિવાસી અને છેવાડાના માનવીના કલ્યાણ માટે સમર્પિત કર્યો છે. નાના પોંઢા ખાતે નીકળેલી આ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’થી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને વિકાસનો એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો, આગેવાનો, મહિલાઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને પીએમ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો.











