વેડછી: મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરાઈને દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનારા દક્ષિણ ગુજરાતના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની દશરીબેન ચૌધરી (દશરીદાદી)ના જીવન અને સંઘર્ષની આ પ્રેરણાદાયી ગાથા છે તેમનો 3 ઓક્ટોબર, 1918ના રોજ વેડછી (દક્ષિણ ગુજરાત) ખાતે માતા અંબાબેન અને પિતા રમસીભાઈને ત્યાં થયો હતો.

તેમની પ્રથમ મુલાકાત (1924) માત્ર 6 વર્ષની નાની વયે દશરીબેન એક પરિષદમાં ગાંધીજીને મળ્યા. ગાંધીજીને ખાદીનો સ્કાર્ફ પહેરેલા જોઈને તેઓ પણ ગાંધીજીને ખાદીનો સ્કાર્ફ પહેરાવવા ગયા. ગાંધીજીએ બાળકી દશરીને ઊંચકી લીધી અને તેના હાથ-પગના ઘરેણાં જોઈને કહ્યું, ‘દીકરી, આપણે ગુલામ છીએ; આપણે ઘરેણાં ન પહેરવા જોઈએ.’ આ શબ્દોની બાળકી પર એવી ઊંડી અસર પડી કે તેમણે તરત જ ઘરેણાં ઉતારી દીધા અને જીવનભર ફરી ક્યારેય ઘરેણાં ન પહેર્યા.

દશરીબેનના પિતા અને દાદાએ સ્થાનિક આદિવાસીઓને બ્રિટિશ શાસન અને જમીનદારો/શાહુકારોના શોષણ સામે સંગઠિત કર્યા હતા. ગાયકવાડ રાજ્ય હેઠળ ફરજિયાત શિક્ષણની નીતિનો તેમને લાભ મળ્યો. અંગ્રેજ સરકારની સરકારી શાળાઓનો બહિષ્કાર કરીને તેમણે માંડવી તાલુકાની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યો. સવિનય કાનૂન ભંગ (1931)માં દાંડી કૂચ અને આંદોલનમાં સક્રિય જોડાવા માટે તેમણે શાળા અભ્યાસ છોડી દીધો. 26 જાન્યુઆરી, 1933 માં 14 વર્ષની ઉંમરે વિદેશી કાપડની દુકાન પર ધરણા કરતી વખતે અંગ્રેજ પોલીસે બંદૂકની અણીએ તેમને પૂછ્યું કે શું તેઓ જાણે છે કે એમનું શું પરિણામ આવશે? ત્યારે આ નીડર બાળકીએ જવાબ આપ્યો: હા, જો હું મરી જઈશ, તો મને શહીદ કહેવામાં આવશે. તેમને એક વર્ષની સજા ફટકારીને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. યરવડા જેલમાં દશરીબેન કસ્તુરબા ગાંધી સાથે એક વર્ષ સુધી રહ્યા. આ સમય દરમિયાન 14 વર્ષની આ આદિવાસી કિશોરીએ કસ્તુરબાને વાંચતા અને લખતા શીખવ્યું. 4 મહિનામાં કસ્તુરબા પોતે પત્રો લખતા શીખી ગયા. જ્યારે ગાંધીજીને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે કહ્યું:આ છોકરીને કહો કે તેણીએ તે કરી બતાવ્યું જે હું પોતે ન કરી શક્યો. હાલમાં દશરીબેનના પુત્ર અશોક ચૌધરી પણ ગાંધીવાદી વિચારો ધરાવતા દક્ષિણ ગુજરાતના જાણીતા આદિવાસી કાર્યકર સમાજ સેવા કરી રહ્યા છે. દશરીદાદીનું આખું જીવન દેશપ્રેમ, નીડરતા અને આદિવાસી સમુદાયના ગૌરવનું પ્રતીક છે. તેમની ૧૦૮ મી જન્મ જયંતિ પર આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીને કોટિ કોટિ શત શત નમન અને જોહાર !


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here