ડાંગ/જામન્યામાળ: જામન્યામાળ ખાતે સાલોમ ફેલોશીપ ફુલગોસ્પલ, જામન્યામાળ સંસ્થા દ્વારા માનવસેવાના ઉત્તમ કાર્યરૂપે એક ભવ્ય રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સ્થાનિક રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 2 બહેનો અને 36 ભાઈઓ મળીને કુલ 38 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ સામાજિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ હિલીમ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે તાલુકા પ્રમુખશ્રી સંજયભાઈ પવાર તેમજ સિંગાણા ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી વિપુલભાઇ ગામીત ખાસ હાજર રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. રક્ત એકત્રિત કરવાની તબીબી સેવાઓ વલસાડ રક્તદાન કેન્દ્રના ડો. ભગવત પટેલ અને તેમની તબીબી ટીમે પૂરી પાડી હતી.
સમગ્ર રક્તદાન શિબિરનું સફળ આયોજન સાલોમ ફેલોશીપ ફુલગોસ્પલ સંસ્થાના પ્રમુખશ્રી રામજભાઈ વાઘમારે તથા ટ્રસ્ટીગણ સર્વશ્રી શૈલેષભાઈ રાઉત, સુરેશભાઈ ઠાકરે, રમેશભાઈ દેવળે, ઈશ્વરભાઈ ઠાકરે, ગમનભાઈ રાઉત, રમણભાઈ પવાર અને સંસ્થાની સંપૂર્ણ યુવા સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓ, રક્તદાન કરનાર ભાઈ-બહેનો અને વલસાડ બ્લડ બેંકની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











