દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં વસતા ચૌધરી સમાજમાં હરાદના તહેવારોનું એક આગવું અને અનોખું સાંસ્કૃતિક મહત્વ છે. હરાદના પવિત્ર દિવસો દરમિયાન ચૌધરી સમાજના લોકો દ્વારા ઘરોની સજાવટ કરવાની સાથે સાથે ભીંતો પર પોતાની રોજીંદી પરંપરા અને જીવનશૈલીને વાચા આપતી વિશેષ ચિત્રકળા—જેને ‘નવાયે’ (નવા) તરીકે ઓળખવામાં આવે છે—તે દોરવામાં આવે છે.
આ પરંપરાગત ચિત્રો દોરવા માટે કુદરતી અને દેશી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના લોટમાં દૂધ, છાશ અથવા પાણી ઉમેરીને એક ખાસ સફેદ દ્રાવણ તૈયાર કરાય છે. આ દ્રાવણનો સમગ્ર ઘરમાં છંટકાવ કરીને શુદ્ધિ અને પવિત્રતા જાળવવામાં આવે છે.
ચિત્રો દોરવા માટે બાવળ, ખજૂરી કે વડની વડવાઈ જેવી મૃદુ રેસા ધરાવતી ડાળીઓનો ઉપયોગ થાય છે. એક વેંત જેટલી લાંબી આ ડાળીના એક છેડાને પથ્થર વડે છુંદીને દેશી પીંછી બનાવવામાં આવે છે. આ પીંછી વડે ઘરની કાચી ભીંતો પર રોજિંદી જીવનશૈલીને દર્શાવતાં ચિત્રો જેવાં કે: ખેતીકામના સાધનો: હળ, કોદાળી, દાતરડું વગેરે કૃષિ પ્રવૃત્તિઓ: વાવણી, રોપણી અને કાપણીના દ્રશ્યો શુભ પ્રતીક: દરેક ચિત્રની સાથે હાથના પંજાની છાપ અવશ્ય પાડવામાં આવે છે.
આ ચિત્રો અંગેની એક રસપ્રદ માન્યતા અને પરંપરા એ છે કે વર્ષ દરમિયાન ઘરની ભીંતો પર માટીનું નવું લીપણ થઈ જતું હોય છે, જેના કારણે ચિત્રો ઢંકાઈ જાય છે. પરંતુ, જેવો બીજા વર્ષે હરાદનો તહેવાર નજીક આવે અને ભેજ કે હવામાનના બદલાવથી જૂના ઢંકાયેલા ‘નવા’ (ચિત્રો) ભીંત પર ફરીથી ઝાંખા-ઝાંખા દેખાવા લાગે, એટલે ચૌધરી સમાજના લોકો સમજી જાય છે કે હરાદનો મહિનો બેસી ગયો છે. આદિવાસી સંસ્કૃતિની આ અનોખી ‘નવાયે’ ચિત્રકળા આજે પણ પ્રકૃતિ સાથેના તેમના ગાઢ સંબંધ અને લોકજીવનના વારસાને જીવંત રાખી રહી છે.











