ખેરલાવ: આજરોજ ખેરલાવ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ઈમરજન્સીના સમયે ઝડપી અને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મયંક પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને સતત અનુસરણને સફળતા મળી છે. ખેરલાવ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ થતાં હવે ખેરલાવ ઉપરાંત અંબાચ, ડુમલાવ , રોહિણા, બરઈ સહિત નજીકના આસપાસના ગામોના નાગરિકોને પણ ઝડપી ઈમરજન્સી સેવાનો લાભ મળશે.
અકસ્મિક ઘટના, સર્પદંશ, ગંભીર બીમારી, પ્રસૂતિ સહિતની તાત્કાલિક પરિસ્થિતિમાં દર્દીને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં 108 એમ્બ્યુલન્સ સેવા મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઈમરજન્સીના સમયે આ સુવિધા ઉપલબ્ધ થવાથી દર્દીઓ તથા તેમના પરિવારજનોને મોટી રાહત મળશે. ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મયંક પટેલ દ્વારા ગામની આરોગ્યલક્ષી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર સમક્ષ 108 સેવા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને સેવા ઉપલબ્ધ થાય તે માટે જરૂરી અનુસરણ તથા સંકલન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે ખેરલાવને આ મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધા પ્રાપ્ત થઈ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી અદિતિ અંકિત પટેલ, પારડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હિરેન પટેલ, બરઈના સરપંચ શ્રી અશોકભાઈ પટેલ તેમજ સામાજિક આગેવાનો, ગ્રામજનો અને 108 સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 108 સેવાની ટીમ તરફથી EME શ્રી દિલીપ વસાવા, Fleet શ્રી હિતેશ રાઠોડ, EMT શ્રી ભક્તેશ પટેલ તથા Pilot શ્રી હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સરપંચ શ્રી મયંક પટેલે જણાવ્યું હતું કે, “ખેરલાવ અને આસપાસના ગામોના નાગરિકોને ઈમરજન્સીના સમયે સમયસર આરોગ્ય સેવા મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી. આજે આ સેવા ઉપલબ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો સીધો લાભ મળશે. આ સુવિધા માટે સહયોગ અને માર્ગદર્શન આપનાર તમામનો આભાર.” 108 એમ્બ્યુલન્સ સેવા ખેરલાવ સુધી પહોંચાડવામાં સહયોગ, માર્ગદર્શન અને સંકલન કરનાર તમામ લોકપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તથા 108ની સમગ્ર ટીમનો ખેરલાવ ગ્રામ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ખેરલાવ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસની સાથે આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સ્વચ્છતા અને અન્ય જનસુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત કામગીરી ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. “સ્વસ્થ ખેરલાવ… સુરક્ષિત ખેરલાવ… સુવિધાયુક્ત ખેરલાવ…” જનસેવા અને ગ્રામ વિકાસ માટે ખેરલાવ ગ્રામ પંચાયત સતત કાર્યરત રહેશે.











