ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામે પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ સામે આવ્યો છે. અહીં નાળાનું કામ અટકાવવા આવેલા લોકોએ મહિલા સરપંચ પ્રિયંકાબેન પટેલ અને તેમના પતિ અલ્પેશભાઈ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે ચીખલી પોલીસે ભાજપ શાસિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમિતા પટેલ સહિત ચાર લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ફરિયાદી પ્રિયંકાબેન અલ્પેશભાઈ મનુભાઈ પટેલ બારોલિયા મંદિર ફળિયા ગામના સરપંચ છે. વર્ષ 2024માં તલાવચોરા ગામમાંથી છૂટા પડીને બારોલિયા મંદિર ફળિયા નવું ગામ બન્યું હતું. 2024માં યોજાયેલી ચૂંટણીમાં પ્રિયંકાબેન સરપંચ તરીકે જીત્યા હતા. હાલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ગ્રામ પંચાયતનું મકાન અને નાળાનું કામ ચાલી રહ્યું હતું. ગત 23 સપ્ટેમ્બર 2024ના રોજ સવા અગિયાર વાગ્યે પ્રિયંકાબેન અને તેમના પતિ અલ્પેશભાઈ પંચાયતનું કામ જોવા ગયા હતા. તે સમયે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમિતાબેન અશ્વિનભાઈ પટેલ, જતીનભાઈ ભાણાભાઈ કુણબી, જીવલભાઈ અલ્પેશભાઈ પટેલ અને સુરેશભાઈ દેવાભાઈ પટેલ ત્યાં હાજર હતા. તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ જેસીબી અને ક્રેન ડ્રાઇવરની હાજરીમાં ચાલુ કામ બંધ કરાવી દીધું. જ્યારે સરપંચે કામ બંધ કરાવવાનું કારણ પૂછ્યું અને લેખિતમાં માંગણી કરી, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા. આરોપીઓએ ગાળાગાળી કરી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી હુમલો કર્યો. જતીનભાઈએ અલ્પેશભાઈને માથાના ભાગે પથ્થર અને લોખંડના સળિયાથી માર મારતા તેઓ લોહીલુહાણ થઈને જમીન પર પડી ગયા. અમિતાબેન અને અન્ય આરોપીઓએ મહિલા સરપંચ સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો.
ઘટના બાદ ઈજાગ્રસ્ત પતિ-પત્નીને માર્ગ અને મકાન વિભાગના અધિકારીની ગાડીમાં ચીખલી સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યાં અલ્પેશભાઈના કપાળના ભાગે 6 ટાંકા આવ્યા છે. આ મામલે ચીખલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ચાંદને સોંપી છે.











