ખેરગામ: ખેરગામ તાલુકાના સામાન્ય નાગરિકો, ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના લોકોની કાયદો-વ્યવસ્થા, જમીન વિવાદ, ઘરેલું પ્રશ્નો અને સાયબર ગુનાઓ જેવી સમસ્યાઓના સ્થાનિક નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘પોલીસ લોકદરબાર’નું લાંબા સમયથી આયોજન ન થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ગંભીર જનહિતના પ્રશ્ને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાતના ગૃહ મંત્રી, નવસારી કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આ બાબતે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નવસારી SPને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી ખેરગામ ખાતે નિયમિત લોકદરબાર કેમ યોજાયો નથી, તે તપાસનો વિષય છે. ખેરગામ પોલીસ સ્ટેશન હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં વર્ષવાર કેટલા લોકદરબાર યોજાયા, તેમાં કેટલા અરજદારો હાજર રહ્યા અને કેટલી ફરિયાદોનો નિકાલ થયો તેની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવે. લોકદરબારના આયોજન પાછળ મંડપ, ખુરશી, જાહેરાત અને ચા-નાસ્તા પાછળ થયેલા કુલ સરકારી ખર્ચની વિગતો અને બિલ-વાઉચર સાર્વજનિક કરવામાં આવે. કલેક્ટરશ્રીની સ્પષ્ટ સૂચના હોવા છતાં કયા કારણોસર લોકદરબાર યોજાયો નથી, તેની વહીવટી તપાસ કરી જવાબદાર અધિકારી નક્કી કરવામાં આવે. ખેરગામ ખાતે માસિક અથવા ત્રિમાસિક ધોરણે કાયમી સમયપત્રક જાહેર કરી લોકદરબાર યોજાય તેમજ અંતરિયાળ ગામડાના લોકો માટે ‘મોબાઇલ પોલીસ લોકદરબાર’ શરૂ કરવામાં આવે.
આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૧૫ દિવસમાં નવસારી પોલીસ અધિક્ષક દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશનની વિશેષ સમીક્ષા કરી આગામી લોકદરબારની તારીખ જાહેર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ જનહિતના મુદ્દે યોગ્ય આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે.











