માંડવી: માંડવી તાલુકાના નાના એવા વદેશિયા ગામમાંથી એક ગૌરવશાળી અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. ગામના પ્રગતિશીલ યુવાન અંકિતભાઈ ઝીણાભાઈ ચૌધરીએ પોતાની સતત મહેનત અને દ્રઢ સંકલ્પના બળે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર (STI) ની પરીક્ષામાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. તેઓ સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરીને સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ અંકિતભાઈની આ સિદ્ધિથી તેમના સમગ્ર પરિવારજનો સહિત વદેશિયા ગામમાં હરખ અને આનંદની લહેર ફરી વળી છે. લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, લગન અને અથાક મહેનતનું જ આ મધુર પરિણામ છે કે તેમણે આ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ગામના વડીલો અને ગ્રામજનોએ અંકિતભાઈને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમની આ સિદ્ધિ વદેશિયા ગામ તેમજ આસપાસના વિસ્તારના અન્ય યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધવા માટે અને પોતાના સપના સાકાર કરવા માટે એક ઉત્કૃષ્ટ પ્રેરણાસ્રોત બની રહેશે.











