ધરમપુર: ધરમપુર તાલુકાના સીદુમ્બર ગામે જંગલ જમીનના પ્રશ્નો અને આદિવાસી ખેડૂતોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે એક વિશાળ ‘ન્યાયસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ન્યાયસભા વાંસદા-ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો અને સમાજના આગેવાનો એકઠા થયા હતા.

ધરમપુર તાલુકામાં આદિવાસી ખેડૂતો પોતાના બાપદાદાના સમયથી જંગલ જમીન ખેડીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને નોટિસો આપી ખુલાસો માંગવામાં આવતાં અને જમીન ખાલી કરાવવાની વાતો સામે આવતાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોતાના પૂર્વજોના સમયથી ચાલતી આ જમીન ખાલી કરવાનો નિર્ણય આદિવાસી સમાજને જરાય મંજૂર નથી.

ન્યાયસભામાં ઉપસ્થિત તમામ ખેડૂતોએ એકસૂરે બંધારણની 5મી અનુસૂચિ હેઠળ આવતા વિસ્તારોના અધિકારોનો ઉલ્લેખ કરતા “જો જમીન સરકારી હૈ, વો જમીન હમારી હૈ” ના નારા સાથે પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. સભામાંથી વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે આદિવાસી ખેડૂતોને રંજાડવાનું અને હેરાન કરવાનું તુરંત બંધ કરવામાં આવે. ધારાસભ્ય અનંત પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે જો વહીવટી તંત્ર ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષે તો આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર અને મોટું આંદોલન કરવામાં આવશે. આ લડતના પ્રથમ પગલા રૂપે આવતીકાલે ધરમપુર તાલુકાના તમામ ખેડૂતો ધરમપુર મામલતદાર કચેરી ખાતે ભેગા થઈને પોતાનો અધિકૃત વાંધો રજૂ કરશે.

આ ન્યાયસભામાં મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશ ભોય, આંબા ગામના આગેવાન રાહુલ પટેલ તેમજ આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ લડતા અન્ય લડાયક યોદ્ધાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here