તાપી/બેડચીત: કાયદા અને રક્ષણની મોટી મોટી વાતો કરતી તાપી પોલીસનો અસલી ચહેરો અને ખાખીનો અહંકાર આજે જનતા સામે ખુલ્લો પડી ગયો છે. તાપી જિલ્લામાં એક બાજુ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બૂટલેગરો સાથેની સાઠગાંઠ ના કિસ્સા સામે આવી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય અને નિર્દોષ જનતા પર અમાનવીય દમન ગુજારવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ વ્યારા DySP નરવડેના કુખ્યાત બૂટલેગરો સાથેના સંબંધો દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઉત્સવના માહોલમાં પોલીસની દમનગીરી
ગત 13 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ નિમિત્તે તાપીના બેડચિત ખાતે ક્રાંતિકારી તાંત્યાં ભીલની પ્રતિમાનું સ્થાપન અત્યંત ઉત્સાહભેર થઈ રહ્યું હતું. આદિવાસી સમાજના લોકો પોતાની સંસ્કૃતિ અને ઉત્સવની મસ્તીમાં નાચ-ગાન કરી રહ્યા હતા, ત્યારે જ પી.આઈ. ગામીત અને તેમની ટીમે કાયદાનો રોફ બતાવી એક દારૂ પીધેલી હાલતમાં રહેલા વ્યક્તિ સાથે અત્યંત બેરહમી અને અમાનવીય વર્તન કરી તેને બળજબરીથી પોલીસ ગાડીમાં ધકેલી દીધો હતો. સમાજના આગેવાનોએ પ્રસંગની ગરિમા જાળવવા અને મામલો શાંત પાડવા વિનંતી કરી હોવા છતાં, અહંકારી પોલીસે પોતાની વર્તણૂક સુધારી ન હતી.
નીડર પત્રકારના પ્રશ્નોના પ્રહારો સામે પોલીસની હેકડી ગાયબ.
પોલીસ પોતાની સત્તાના નશામાં દમનગીરી કરી રહી હતી ત્યારે જ એક હોનહાર અને નીડર પત્રકારે ઘટનાસ્થળે પહોંચી ખાખી ધારીઓને સત્યનો અરીસો બતાવ્યો હતો. પોલીસે પત્રકારનો અવાજ પણ દબાવવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કલમની શક્તિ અને સત્યના સણસણતા સવાલો સામે પી.આઈ. અને કોન્સ્ટેબલોની તમામ હેકડી ગાયબ થઈ ગઈ હતી. પત્રકારના તીખા સવાલોનો કોઈ જવાબ ન હોવાથી આખરે પોલીસ ટીમે પાછા પગે ભાગવાનો વારો આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર હજારો લોકોએ પત્રકારની નીડરતા અને હિંમતને બિરદાવી હતી.
બૂટલેગરો સાથે DySP સાઠગાંઠનો પર્દાફાશ:
DySPના કુખ્યાત બૂટલેગરો સાથેના સંબંધોના વીડિયો વાયરલ થયા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે દિવસે પત્રકારના સવાલો સામે પી.આઈ. ગામીત અને તેમની ટીમ કેમ નીચી મુંડી કરીને ભાગી ગઈ હતી. સમાજને કાયદાનું ભાન ભૂલાવતી પોલીસ પોતે જ અંદરખાને અસામાજિક તત્વો સાથે હાથ મિલાવીને બેઠી છે. જનતામાં રોષ અને તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય માણસને ડરાવતી અને કાયદાનો રોફ બતાવતી તાપી પોલીસનો આ અહંકાર હવે ચાલવાનો નથી. ઉચ્ચ કક્ષાએથી આ મામલે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.











