ધરમપુર: 5 સપ્ટેમ્બરના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ખાતે ‘સ્વયં શિક્ષક દિન’ ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં બાળ શિક્ષકોએ એક દિવસ માટે શાળાનું શૈક્ષણિક તથા પ્રતીકાત્મક સંચાલન સંભાળ્યું હતું.

બાળ શિક્ષકોની પસંદગી ગુણવત્તા અને યોગ્યતાના આધારે થાય તે માટે શાળા કક્ષાએ પૂર્વ તૈયારીરૂપે ‘બાળ શિક્ષક યોગ્યતા કસોટી’ યોજવામાં આવી હતી. કસોટીના મેરિટના આધારે સર્વોચ્ચ ગુણ મેળવનાર કુ. સંસ્કૃતિ ભરતભાઈ પટેલની ‘બાળ આચાર્ય’ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત 37 વિદ્યાર્થીઓએ વિવિધ વર્ગોમાં વિષય શિક્ષક તરીકે અને 1 વિદ્યાર્થીએ શાળા સહાયક તરીકે જવાબદારી નિભાવી હતી. આમ કુલ 37 વિદ્યાર્થીઓએ વિવિધ ભૂમિકાઓ સફળતાપૂર્વક સંભાળી હતી.

કાર્યક્રમની શરૂઆત વિશેષ પ્રાર્થના સભાથી થઈ હતી. બાળ આચાર્યા તથા બાળ શિક્ષકોએ ડૉ. રાધાકૃષ્ણનને યાદ કરી શાળા સંચાલનનો પ્રતીકાત્મક ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ સવારે 8:00 થી 11:00 દરમિયાન બાળ શિક્ષકોએ આગોતરા પાઠ આયોજન, શૈક્ષણિક સાધનો (TLM) અને સુઘડ બોર્ડ વર્ક સાથે વિવિધ વિષયોનું રસપ્રદ શિક્ષણકાર્ય કરાવ્યું હતું.

કાર્યક્રમના અંતે તમામ ૩૯ બાળ શિક્ષકો અને શાળા સહાયકને પ્રશસ્તિપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષકશ્રી તથા શિક્ષક પરિવારે બાળકોની તૈયારી, શિસ્ત અને કામગીરીની પ્રશંસા કરી હતી. આ સમગ્ર આયોજન વિદ્યાર્થીઓ માટે શિક્ષકની જવાબદારીનો પ્રત્યક્ષ અનુભવ કરાવતું તથા તેમના નેતૃત્વ, આત્મવિશ્વાસ અને ગુરુજનો પ્રત્યે આદરની ભાવનાને વધુ મજબૂત બનાવતું પ્રેરણાદાયી બની રહ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here