​પારડી: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની 138મી જન્મજયંતિ (શિક્ષક દિન) નિમિત્તે ૫મી સપ્ટેમ્બર 2026 ના રોજ ‘તાલુકા-જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2026’ નું ભવ્ય આયોજન ભારતરત્ન મોરારજી દેસાઈ હોલ, પારડી ખાતે કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સાથે સતત છેલ્લા 3 વર્ષથી (માર્ચ 2024 થી માર્ચ 2026) એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 100 % પરિણામ ધરાવતા વિષય શિક્ષકોને ‘સન્માન પત્ર’ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. ​આ સમારોહમાં સરકારી માધ્યમિક શાળા વાવરના શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું હતું: ​આચાર્ય (વર્ગ-2): વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં સતત ત્રણ વર્ષ બોર્ડમાં 100% પરિણામ લાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. ​અંગ્રેજી વિષય શિક્ષક: માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયમાં સતત ત્રણ વર્ષ 100% પરિણામ આપવા બદલ સન્માન પત્ર એનાયત કરાયું. સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષય શિક્ષિકા: માધ્યમિક વિભાગમાં સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયમાં સતત ત્રણ વર્ષ 100 % ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ સન્માનિત કરાયા.

આ પ્રસંગે રાજ્ય સરકારના માનનીય નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ કેબિનેટ મંત્રીશ્રી (સમારંભના અધ્યક્ષશ્રી), વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, લોકસભાના માનનીય સાંસદશ્રી તથા દંડકશ્રી (મુખ્ય મહેમાનશ્રી), વિવિધ મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીઓ, પારડી નગરપાલિકા પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ​ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી (IAS), જિલ્લા વિકાસ અધિકારીશ્રી (IAS), જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી (IPS) તેમજ આયોજક તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અધિકારીશ્રીઓએ સન્માનિત શિક્ષકોની અખૂટ નિષ્ઠા, કઠિન પરિશ્રમ અને શૈક્ષણિક પ્રદાનની ભૂરી-ભૂરી પ્રશંસા કરી ભાવિ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here