ધરમપુર: ધરમપુર તાલુકાના ગુંદિયા ગામે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા વાહનની અડફેટે આવતા એક દીપડો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી દીપડાનો જીવ બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

Decision News ને મળતી માહિતી મુજબ, ગઈકાલે તારીખ 02 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે આશરે 6:00 વાગ્યાના સુમારે ગુંદિયા ગામ પાસે કોઈ અજાણ્યા વાહન સાથે દીપડાનો અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં વન વિભાગ (ફોરેસ્ટ)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘાયલ દીપડાને રેસ્ક્યૂ કરીને રાત્રે 7:30 વાગ્યાના અરસામાં સારવાર અર્થે ધરમપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

ધરમપુર હોસ્પિટલમાં વન વિભાગ અને પશુ તબીબોની દેખરેખ હેઠળ દીપડાને બોટલ ચઢાવીને રાત્રિભર સઘન સારવાર આપવામાં આવી હતી. આખી રાત ધરમપુર હોસ્પિટલમાં રાખ્યા બાદ દીપડાની સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાને રાખી વધુ અને ત્વરિત સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી.

જેને પગલે આજે તારીખ 03 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારે ફોરેસ્ટની ટીમ દ્વારા દીપડાને વધુ ટ્રીટમેન્ટ માટે ઇમરજન્સીમાં નવસારી ખાતે રિફર કરવામાં આવ્યો છે. હાલ નવસારી ખાતે તબીબોની ટીમ દ્વારા દીપડાની કટોકટીભરી સારવાર ચાલુ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here