ઉનાઈ: વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ખાંડના વધતા ભાવ અને સરકારની નીતિઓ સામે વિરોધ દર્શાવવા માટે વડાપ્રધાનના જાણીતા ‘ચાય પે ચર્ચા’ અભિયાનની તર્જ પર તેમણે ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ યોજીને સરકારની આર્થિક અને ઔદ્યોગિક નીતિઓ સામે તીખા સવાલો ઉઠાવ્યા છે.

ઉનાઈ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાના ઉદ્દેશ્યથી ખાંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શેરડીના રસનો એક મોટો હિસ્સો ઇથેનોલ ઉત્પાદન તરફ વળી રહ્યો હોવાને કારણે દેશમાં ખાંડના વાસ્તવિક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કારણસર જ બજારમાં ખાંડના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

આગામી સમયમાં આવી રહેલા જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, તહેવારો પૂર્વે જ ખાંડના ભાવ વધવાથી મીઠાઈઓ અને અન્ય ખાદ્યસામગ્રી પણ મોંઘી બનશે. આ ગંભીર પરિસ્થિતિની સીધી માઠ અસર મધ્યમ અને ગરીબ વર્ગના કૌટુંબિક બજેટ પર પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here