માંડવી: નિધિ પટેલના દુઃખદ અવસાન બાદ આજે અશ્રુભીની આંખે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રા અને સંસ્કાર પ્રસંગે પરિવારજનો, સ્નેહીઓ, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
અંતિમ સંસ્કાર દરમિયાન સહકારી આગેવાન દર્શનભાઈ નાયક, માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિ, વદેશિયાના સરપંચ મિતલ વિલાસભાઈ ચૌધરી, પિયુષ ચૌધરી, સ્વપ્નિલ પટેલ અને અજય પટેલ સહિતના રાજકીય તથા સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં તેમની સાથે ઊભા રહેવાની ખાતરી આપી હતી.
નિધિ પટેલના અવસાન અંગે હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. પ્રાથમિક સ્તરે દોરી કે ચાર્જ કેબલથી ગળું દબાવી નિર્મમ હત્યા કરી અને લાશ ધાબા પર સંતાડી હોવાનું જણાયું હતું. આ અંગે પરિવારજનો અને સમાજના શ્રેષ્ઠીઓએ માંગ કરી છે કે: સમગ્ર ઘટનાના સત્ય સુધી પહોંચવા માટે પુરાવાના આધારે તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. કાયદાકીય તપાસમાં કોઈ નિષ્કર્ષ માત્ર શંકાના આધારે ન કાઢવામાં આવે, પરંતુ નક્કર તથ્યોના આધારે જો કોઈની કાયદાકીય જવાબદારી નક્કી થાય તો નિયમ મુજબ કડક કાર્યવાહી થાય.
હાલ પોલીસ તપાસ ચાલુ છે, ત્યારે શોકગ્રસ્ત પરિવારે સાંત્વના વચ્ચે હવે માત્ર સત્ય સામે આવે અને યોગ્ય ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે.











