ખેરગામ: આજરોજ ખેરગામ પોલીસ સ્ટેશનની કામગીરી અને શંકાસ્પદ તપાસ પદ્ધતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આછવણી ગામમાં આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 6 ના કથિત બોગસ વેચાણ અને ગુનાહિત છેતરપિંડીના મામલે યોગ્ય તપાસ કરવાને બદલે અરજી દફ્તરે (ફાઈલે) કરી દેવાતા અરજદાર વિજય ઉચ્ચકટારે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
સમગ્ર વિવાદ અને ઘટનાક્રમ: પાણીખડકના વૈભવ વાઘીયા નામના યુવકે આછવણીના શૈલેષ પટેલ, લાલજી પટેલ, ગોકુળ પટેલ અને ડો.અમિત પટેલ સામે મિલિભગત કરીને 6 નંબરની દુકાન મદદનીશ આદિજાતિ કમિશનર બાબુ વળવીને વેચી મારી છેતરપિંડી કર્યાની ફરિયાદ કરી હતી. સરકારી દસ્તાવેજો હોવા છતાં ખેરગામ PI પિનલ ચૌધરી દ્વારા અરજી દફ્તરે કરી દેવાતા, અરજદારે જમીન દફ્તર વિભાગના પુરાવા સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. ગૃહ વિભાગે આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક (DSP)ને તપાસ સોંપી હતી. પરંતુ, આશ્ચર્યજનક રીતે જે PI પિનલ ચૌધરી સામે ફરિયાદ હતી, તેમણે જ પોતાના જુનિયર PSI હેમંત પટેલ પાસે તપાસ કરાવીને સમગ્ર અરજીને કોઈ નિવેદન લીધા વગર જ દફ્તરે કરી દીધી હોવાનો આરોપ છે.
અરજદાર વિજય ઉચ્ચકટારે ગૃહ વિભાગની કાયદા-વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, સરકાર એક તરફ “કોઈ ચમરબંધીને નહીં છોડાય” તેવી વાતો કરે છે અને બીજી તરફ અધિકારીઓ પોતાના જ જુનિયરો પાસે પોતાની તપાસ કરાવીને ક્લીનચિટ મેળવી લે છે. ગોકુળ પટેલ જેવા શંકાસ્પદ આરોપીઓને વારંવાર કયા લાભ ખાતર ક્લીનચિટ આપવામાં આવે છે તે તપાસનો વિષય છે. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, જો આવી જ રીતે તપાસ થતી રહેશે તો ભવિષ્યમાં શાળાના આચાર્ય વિરુદ્ધની તપાસ વિદ્યાર્થીઓ કરશે અને પોલીસ વિરુદ્ધની તપાસ બુટલેગરો કરશે તેવો દિવસ પણ દૂર નથી.











