કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા અને નાનાપોંઢા વિસ્તારના નાગરિકો માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સુગમ બનાવવાના હેતુથી કપરાડા ખાતે નવી પ્રાંત કચેરીની રચનાને મંજૂરી આપવામાં આવી છે.

કપરાડા ખાતે નવી પ્રાંત કચેરી કાર્યરત કરવામાં આવશે, જેનું મુખ્ય મથક કપરાડા જ રહેશે. નવી કપરાડા પ્રાંત કચેરી હેઠળ કપરાડા અને નાનાપોંઢા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.  હયાત ધરમપુર પ્રાંતનું મુખ્ય મથક ધરમપુર રહેશે અને તેની સીમા હેઠળ ધરમપુર તાલુકાનો સમાવેશ થશે. આ નિર્ણયથી કપરાડા અને નાનાપોંઢા વિસ્તારના સ્થાનિક લોકોને મહેસૂલી અને અન્ય વહીવટી કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે અને સેવાઓ ઘરઆંગણે સરળતાથી ઉપલબ્ધ બનશે.

ધારાસભ્ય જીતુ ચૌધરીના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક નિર્ણય કપરાડા વિધાનસભા વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અને જનહિતની સતત રજૂઆતોનું સુખદ પરિણામ છે. આ નવી પ્રાંત કચેરીની સ્થાપનાથી સમગ્ર વિસ્તારના વહીવટી માળખાને નવી ઊર્જા મળશે અને પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ શક્ય બનશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here