ધરમપુર: સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મુરડદ ગામના માવલી ફળિયામાં આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાની મૂળભૂત સુવિધા ન હોવાથી 60 થી 70 આદિવાસી પરિવારો અત્યંત કંગાળ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આ મામલે સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.

મુરડદ ગામના માવલી ફળિયામાં રસ્તાની સ્થિતિ એટલી બત્તર છે કે ત્યાંથી સામાન્ય વાહનવ્યવહાર પણ સહેલાઈથી થઈ શકતો નથી. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે કોઈ ગ્રામજન અચાનક બીમાર પડે, સગર્ભા મહિલા માટે પ્રસૂતિની ઇમરજન્સી હોય કે અન્ય કોઈ હોનારત સર્જાય ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી વાહનો પહોંચી શકતા નથી. ચોમાસા દરમિયાન તો સ્થિતિ વધુ વિકટ બને છે અને ગ્રામજનોએ જીવના જોખમે અવરજવર કરવી પડે છે. સ્થાનિકોની આ ગંભીર સમસ્યાને લઈને કલેક્ટરને રજૂઆત કર્યા બાદ યુથ લીડર ડો. નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સર્વાંગી વિકાસના દાવા કરવામાં આવે છે, પરંતુ ધરમપુર જેવા વિસ્તારમાં આજે પણ લોકોને રોડ જેવી પ્રાથમિક સુવિધા માટે વલખાં મારવા પડે તે અત્યંત દુઃખદ અને ચિંતાજનક બાબત છે.” આદિવાસી સમાજના યુથ લીડરે આશા વ્યક્ત કરી છે કે કલેક્ટરશ્રી આ બાબતની ગંભીરતા સમજીને તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરશે જેથી વર્ષોથી હાલાકી ભોગવતા ગ્રામજનોને રાહત મળે.

કલેક્ટર સમક્ષ કરાયેલી મુખ્ય માંગણીઓ: મુરડદ ગામના માવલી ફળિયાના રસ્તાની તાત્કાલિક સ્થળ તપાસ કરાવવામાં આવે, ચોમાસા દરમિયાન અવરજવર માટે તાત્કાલિક મોટરેબલ માર્ગ તૈયાર કરવામાં આવે જેથી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પહોંચી શકે, કાયમી રસ્તાના કામ માટે સમયમર્યાદા નક્કી કરી જરૂરી વહીવટી અને નાણાકીય મંજૂરીઓ તાત્કાલિક આપવામાં આવે, અગાઉ કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા આપવામાં આવેલી હૈયાધરપતનો અમલ કેમ થયો નથી તેની તપાસ કરી બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય, કલેક્ટર કક્ષાએથી તાલુકા અને જિલ્લાના અધિકારીઓને કડક સૂચના આપી 7 દિવસની અંદર સ્થળ પર થયેલી કાર્યવાહીનો રિપોર્ટ મંગાવવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here