ધરમપુર: ધરમપુર તાલુકાના મુરડદ ગામના માવલી ફળિયામાં રોડ-રસ્તાની ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો અને આગેવાનો દ્વારા આજરોજ કાર્યપાલક ઈજનેરશ્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત બાદ તંત્ર દ્વારા ચોમાસું પત્યા બાદ વહેલી તકે કાયમી નિરાકરણ લાવવાની અને હાલ પૂરતી વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરાવી આપવાની હૈયાધરપ આપવામાં આવી છે.
એક તરફ સરકાર અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ વિકાસના મોટા દાવાઓ કરી રહ્યા છે, ત્યારે ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં આજે પણ લોકો પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. મુરડદ ગામના માવલી ફળિયામાં આશરે 60 થી 70 લોકો વસવાટ કરે છે. રસ્તાના અભાવે આ વિસ્તારમાં કટોકટીના સમયે કે કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, જેના કારણે દર્દીઓને ખાટલામાં કે ચાલકીને મુખ્ય રસ્તે લાવવા મજબૂર બનવું પડે છે. ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે આઝાદીના આટલા વર્ષો વીતી જવા છતાં પણ આદિવાસી વિસ્તારોમાં લોકોને સામાન્ય રોડ-રસ્તા માટે વલખા મારવા પડે છે.
ગ્રામજનો અને આગેવાનોએ ગંભીર સમસ્યા બાબતે કાર્યપાલક ઈજનેરશ્રી સમક્ષ રજૂઆત કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તંત્ર દ્વારા હાલ પૂરતી આ રસ્તા પર વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી દેવાની અને ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ વહેલી તકે રસ્તાનું કાયમી ધોરણે કામ પૂર્ણ કરી નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે.











