અરેઠ: સાધારણ અને મધ્યમ વર્ગીય પરિસ્થિતિ પણ દીકરીના ઊંચા સપનાઓ આગળ ક્યારેય અવરોધ બની શકતી નથી, તે વાત અરેઠ તાલુકાના ઉટેવા ગામની દીકરીએ સાબિત કરી બતાવી છે. ઉટેવા ગામના વાંઝી ફળિયામાં રહેતી અને ખેડૂત પરિવારની હોનહાર દીકરી ચૌધરી ક્રિષ્નાકુમારી જીતેશભાઈએ NEET-UG 2026ની મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.
ક્રિષ્નાકુમારીએ NEET-UG 2026ની પરીક્ષામાં ST કેટેગરીના મેરિટમાં સમગ્ર ગુજરાતભરમાં (1447th Rank) મેળવીને એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ક્રિષ્નાકુમારીના પિતા ચૌધરી જીતેશભાઈ વસંતભાઈ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં અને અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે પણ ક્રિષ્નાકુમારીએ ક્યારેય હિંમત હારી નહીં. પોતાની અતૂટ મહેનત, લગન અને દૃઢ નિશ્ચયના બળે તેમણે આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજ અને અરેઠ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
દીકરીની આ ગૌરવવંતી સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ક્રિષ્નાકુમારીના આ સફળ પ્રવાસ બદલ તેમના શિક્ષકો, મિત્રો, સગા-સંબંધીઓ તેમજ સમગ્ર અરેઠ તાલુકાના અગ્રણીઓએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યની ડૉક્ટરી સફર માટે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે. ક્રિષ્નાકુમારીની આ પ્રેરણાદાયી સફર સાબિત કરે છે કે જો સાચી દિશામાં મહેનત કરવામાં આવે, તો કોઈપણ પરિસ્થિતિમાં સફળતાના શિખરો સર કરી શકાય છે. તેમની આ સિદ્ધિ વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ દીવાદાંડી સમાન બની રહેશે.











