આદિવાસી વિસ્તાર: આજના આસમાને સ્પર્શતી મોંઘવારીના સમયમાં ગુજરાતના વડીલોને અને વિશેષ કરીને આદિવાસી વિસ્તારોના ગરીબ વૃદ્ધોને નિભાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી માસિક 1,250 ની સહાય અત્યંત અપૂરતી સાબિત થઈ રહી છે. આ અંગે આદિવાસી આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી છે કે વડીલોની આર્થિક દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને વૃદ્ધ પેન્શન સહાય તાત્કાલિક વધારીને 4,000 થી 5,000 પ્રતિ માસ કરવામાં આવે.

ડો. નિરવ પટેલે સરકાર સમક્ષ આક્રોશ અને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના મોંઘવારી યુગમાં માત્ર 1250 રૂપિયામાં પૂરતું અન્ન પણ મળવું મુશ્કેલ છે. ગામડાઓ અને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વસતા વડીલો પાસે નિયમિત આવકનું કોઈ અન્ય સાધન ન હોવાથી તેઓ સંપૂર્ણપણે આ પેન્શન પર નિર્ભર હોય છે. ખોરાક, જીવનરક્ષક દવાઓ, વીજળી અને મુસાફરીના વધતા ખર્ચ વચ્ચે આ રકમથી ગુજરાન ચલાવવું અશક્ય બન્યું છે.

મુખ્ય માંગણીઓ: પેન્શન રકમમાં વધારો: હાલ મળતી ₹1,250 ની માસિક સહાયમાં તાત્કાલિક વધારો કરીને મોંઘવારી અનુસાર ઓછામાં ઓછી ₹4,000 થી ₹5,000 પ્રતિ માસ કરવામાં આવે. મોંઘવારી આધારિત વ્યવસ્થા: ભવિષ્યમાં મોંઘવારીના વધારા સાથે પેન્શનની રકમ આપોઆપ વધતી રહે તેવી કાયમી મોંઘવારી આધારિત વ્યવસ્થા ઊભી કરવામાં આવે. પ્રક્રિયાકીય સરળતા: ગ્રામ્ય અને તાલુકા સ્તરે બેંક, ઓનલાઈન પ્રક્રિયા તથા અન્ય દસ્તાવેજો મેળવવામાં આવતી મુશ્કેલીઓ દૂર કરી સરળ પ્રણાલી ગોઠવવામાં આવે. નિરાધાર વડીલો માટે વિશેષ વિચારણા: અત્યંત ગરીબ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા નિરાધાર આદિવાસી વડીલો માટે વિશેષ વધારાની સહાય આપવામાં આવે.

વડીલોને માત્ર આર્થિક સહાય નહીં પરંતુ સમાજમાં સન્માનપૂર્વક અને આત્મનિર્ભર જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ તેવી નેમ સાથે આદિવાસી વડીલોના હિતમાં તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવા માટે આગ્રહભરી અપીલ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here