વાંસદા: અષાઢી અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વે વાંસદા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં અને ફળિયાઓમાં ફરી એકવાર ઢીંગલા-ઢીંગલીની વર્ષો જૂની મીઠી યાદો જીવંત થઈ ઉઠી છે. આજના ડિજિટલ યુગમાં પણ આદિવાસી સમુદાયે પોતાની સંસ્કૃતિ અને માટી સાથેનો નાતો અકબંધ રાખીને આ પરંપરાને ઉત્સાહભેર મનાવી હતી.
દિવાસાના દિવસે ગામના ઘરોમાં હાથે બનાવેલા ઢીંગલા-ઢીંગલીને હળદર લગાવી, વર-વધુની જેમ આભૂષણો અને વસ્ત્રોથી શણગારીને પાટલે બેસાડવામાં આવે છે. ત્યારબાદ “ચાલો રે… દિવાસા રમવા…”ના ઉમંગભર્યા નારા સાથે ગામના લોકો ઢોલ-તુરીના તાલે અને પરંપરાગત લોકગીતો ગાતાં ગાતાં ફળિયામાંથી નીકળે છે. ક્યાંક ઢીંગલા-ઢીંગલીના લગ્ન યોજાય છે તો ક્યાંક ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવે છે અને અંતે પૂર્ણ શ્રદ્ધા સાથે નદી કે જળાશયના કાંઠે લઈ જઈ તેમનું વિસર્જન કરવામાં આવે છે.
ગામના અગ્રણીઓ અને વડીલોના જણાવ્યા મુજબ, આ માત્ર ઢીંગલા-ઢીંગલીની રમત નથી, પરંતુ આપણા પૂર્વજોના સમયની યાદો, ફળિયાની હાસ્ય-મજાક, આપણી આગવી લોકબોલી અને સૌથી વધુ—આદિવાસી અસ્મિતાની જીવતી નિશાની છે.આજના આધુનિક સમયમાં જ્યારે નવી પેઢી મોબાઈલ અને ઈન્ટરનેટ તરફ વળી રહી છે, ત્યારે દિવાસાના આ ઢીંગલા-ઢીંગલી લોકોને પોતાની મૂળ સંસ્કૃતિ અને માટી સાથે ફરીથી જોડવાનું કાર્ય કરે છે. વાંસદાના આદિવાસી સમાજ પોતાની પાવન પરંપરાઓને પેઢી દર પેઢી જીવંત રાખવા માટે કેટલો કટિબદ્ધ છે.











