ખેરગામ: રાજસ્થાન અને ગુજરાતની સરહદ નજીક આવેલું પાવનધામ માનગઢ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ ભીલ અને અન્ય આદિવાસી સમાજના ઐતિહાસિક સંઘર્ષ, બલિદાન, સામાજિક જાગૃતિ અને સ્વાભિમાનનું અમર પ્રતીક છે. 17 નવેમ્બર, 1913 ના રોજ માનગઢ કાંડમાં શ્રી ગોવિંદ ગુરુજીના નેતૃત્વ હેઠળ એકત્ર થયેલા હજારો આદિવાસીઓ પર બ્રિટીશ હકુમત દ્વારા કરાયેલા ગોળીબારમાં મોટી સંખ્યામાં નિર્દોષ આદિવાસીઓ શહીદ થયા હતા. આ શહીદોના બલિદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન આપવા માટે ખેરગામના યુથલીડર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે સરકાર સમક્ષ સત્તાવાર અને સઘન રજૂઆત કરી છે.

ડૉ. નિરવ પટેલે જણાવાયું હતું કે વર્ષ 2022 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની માનગઢ મુલાકાત દરમિયાન માનગઢના વિકાસ અને આદિવાસી વારસાને રાષ્ટ્રીય સ્તરે મહત્વ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી “માનગઢને રાષ્ટ્રીય સ્મારક (National Monument) બનાવવા અંગે કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી” તેવો જવાબ સામે આવતાં આદિવાસી સમાજમાં પ્રશ્નો ઊભા થયા છે. આથી ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દાને પુનઃ સત્તાવાર રીતે ઉઠાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

માનગઢનો ઐતિહાસિક સંબંધ માત્ર એક રાજ્ય પૂરતો સીમિત નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજ સાથે ઊંડો જોડાયેલો છે. આથી ગુજરાત સરકારે અન્ય ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંકલન સાધી “Four-State Mangarh Heritage Initiative” શરૂ કરવું જોઈએ અને કેન્દ્ર સરકારને સંયુક્ત ભલામણ મોકલવી જોઈએ. રજૂઆતમાં માનગઢ ખાતે વિશાળ National Tribal Heritage Memorial Complex વિકસાવવાનું સૂચન કરાયું છે, જેમાં: માનગઢ શહીદ સ્મારક અને શહીદ સ્મૃતિ દીવાલ, ગોવિંદ ગુરુજી મ્યુઝિયમ અને ડિજિટલ આર્કાઇવ, ટ્રાઇબલ હિસ્ટ્રી રિસર્ચ સેન્ટર અને લાઇબ્રેરી, ફ્રીડમ મુવમેન્ટ ગેલેરી અને આદિવાસી સાંસ્કૃતિક કેન્દ્ર

આ ઉપરાંત, દર વર્ષે 17 નવેમ્બરના દિવસને રાષ્ટ્રીય સ્તરે “Mangarh Shaheed Smriti Diwas” તરીકે ઉજવવામાં આવે અને રાષ્ટ્રીય શૈક્ષણિક અભ્યાસક્રમમાં ગોવિંદ ગુરુજી તથા માનગઢના શહીદોનો ઇતિહાસ દાખલ કરવામાં આવે તેવી માગણી કરાઈ છે. આ ઐતિહાસિક બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભામાં સર્વપક્ષીય ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવે તે માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here