સેલવાસ: સેલવાસ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજે પોતાની આગવી સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા એક મહત્વપૂર્ણ સંદેશ વહેતો કર્યો છે. સમાજના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પોતાના વડીલો અને પૂર્વજો સાથે જોડાયેલા રહેવું કેટલું અનિવાર્ય છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આદિવાસી સમાજના અગ્રણીઓ અને ભાવિકોનું માનવું છે કે આપણા વડીલો એ જ આપણી પ્રાચીન પરંપરાઓ અને સમૃદ્ધ સંસ્કૃતિના વાસ્તવિક મૂળિયાં છે. જેમ કોઈ વૃક્ષ ગમે તેટલું ઊંચું અને વિશાળ થાય, પરંતુ જો તેના મૂળિયાં સાથેનો સંપર્ક તૂટી જાય તો તે લાંબો સમય ટકી શકતું નથી અને સુકાઈ જાય છે; તેવી જ રીતે માનવ સમાજ પણ પોતાના પૂર્વજોના અનુભવો અને પરંપરાઓથી વિમુખ થઈને આગળ વધી શકતો નથી.
આદિવાસી સંસ્કૃતિ હંમેશાં પ્રકૃતિ અને વડીલો પ્રત્યેના આદર પર ટકેલી રહી છે. વડીલો પાસે રહેલા પરંપરાગત જ્ઞાન, અનુભવ અને માર્ગદર્શનના કારણે જ આપણી ગઈકાલ ઉજળી હતી, અને તેમના આપેલા મૂલ્યો તથા પાવન આશીર્વાદથી જ આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે છે. સેલવાસના આદિવાસી વિસ્તારમાં આ વિચારને ઘર-ઘર સુધી પહોંચાડી યુવા પેઢી પોતાની સંસ્કૃતિ, બોલી અને રીત-રિવાજો સાથે જોડાયેલી રહે તે માટે વિશેષ પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
BY: મુકેશ પટેલ











