નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં અષાઢી અમાસ (દિવાસા)ના પાવન પર્વે આદિવાસી સંસ્કૃતિ અને લોકમાન્યતાઓને ઉજાગર કરતા અનોખા ઉત્સવો શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યા હતા. નવસારી શહેરના દાંડીવાડ વિસ્તાર તેમજ મોલધરા ગામે યોજાયેલા આ પરંપરાગત પ્રસંગોમાં ‘બિરસા આર્મી’ સંગઠનની ટીમે ઉપસ્થિત રહી ઉત્સવનો લ્હાવો લીધો હતો.
નવસારીના દાંડીવાડ વિસ્તારમાં હળપતિ અને આદિવાસી સમાજ દ્વારા દર વર્ષે દિવાસાના દિવસે ‘ઢીંગલા બાપા’નો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પરંપરા પાછળ આશરે ૧૦૦ વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે. ઔતિહાસિક માન્યતા મુજબ, નવસારીમાં ૧૦૦ વર્ષ પહેલાં કોલેરાની ભયાનક મહામારી ફેલાઈ હતી. આ મહામારીને નાથવા અને રોગચાળામાંથી મુક્તિ મેળવવા માટે આદિવાસી સમાજ દ્વારા ઢીંગલા બાપાની સ્થાપના અને શોભાયાત્રા કાઢવાની આદિવાસી લોકપરંપરા શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ એટલી જ શ્રદ્ધાથી જીવંત રાખવામાં આવી છે.
બીજી તરફ, નવસારીના મોલધરા ગામે દિવાસાના પર્વે ઢીંગલા-ઢીંગલીના પ્રતિકાત્મક લગ્ન પ્રસંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પૂરા રીત-રિવાજ સાથે યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં મામાના ઘરેથી મોસાળું લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારા અને વાજતે-ગાજતે વરઘોડો કાઢીને ધામધૂમથી લગ્ન ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આદિવાસી સમાજની આ પ્રાચીન લોકસંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહિત કરવા તેમજ પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે ‘બિરસા આર્મી’ સંગઠનની ટીમે બંને સ્થળોની મુલાકાત લઈ ઉત્સવનો આનંદ માણ્યો હતો.











