ગુજરાત: અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં સ્ટ્રીટ ફૂડ, હોટેલ, અને લારી-ગલ્લા પર અસુરક્ષિત કૃત્રિમ રંગો તથા હાનિકારક કેમિકલ્સના થતા ઉપયોગ સામે રાજ્યવ્યાપી તપાસ અને કડક પગલાં લેવા માટે ખેરગામના યુથ લીડર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે સરકાર સમક્ષ મહત્વની રજૂઆત કરી છે.

આદિવાસી વિસ્તારોમાં સામાન્ય નાગરિકો, શ્રમિકો, બાળકો અને યુવાનો દ્વારા દૈનિક ધોરણે આવા આકર્ષક પણ ઝેરી રંગો ધરાવતા ખાદ્યપદાર્થોનું સેવન કરવામાં આવે છે. ખાદ્યપદાર્થોને વધુ રંગીન અને આકર્ષક બનાવવા માટે વપરાતા બિન-અધિકૃત કે ઔદ્યોગિક (industrial/non-food-grade) રંગો નાગરિકોમાં એલર્જીથી લઈને કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તેમણે ‘Food Safety and Standards Act, 2006’ અંતર્ગત તાત્કાલિક વિશેષ તપાસ અભિયાન શરૂ કરવાની માંગ કરી છે.

ડો. નિરવ પટેલ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ:  આદિવાસી વિસ્તારોના સ્ટ્રીટ ફૂડ અને ખાદ્ય વ્યાપારીઓ પાસેથી નિયમિત નમૂના લઈ લેબોરેટરી તપાસ કરવામાં આવે. અસુરક્ષિત કે ઔદ્યોગિક રંગોનો ઉપયોગ કરનારાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ભરાતા સાપ્તાહિક હાટ બજારોમાં વેચાતા રંગીન નાસ્તા, ફરસાણ, મીઠાઈ અને પીણાંની સઘન તપાસ થાય, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને માત્ર ચેતવણી આપવાને બદલે ભારે દંડ, લાયસન્સ રદ કરવાં તેમજ જરૂર જણાય ત્યાં કેસ (prosecution) દાખલ કરવા સુધીના કડક પગલાં લેવાય, દરેક જિલ્લામાં કેટલા સ્થળોની તપાસ થઈ, કેટલા નમૂના ફેલ થયા અને શું કાર્યવાહી કરવામાં આવી તેનો જિલ્લા-વાર અહેવાલ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે,  શાળાઓ, કોલેજો, હાટ બજારો અને ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠિત જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે જેથી બાળકો અને યુવાનો સુરક્ષિત આહાર પ્રત્યે જાગૃત થાય, સામાન્ય નાગરિકો શંકાસ્પદ કે હાનિકારક ખાદ્યપદાર્થો અંગે સરળતાથી મોબાઈલ કે ઓનલાઈન માધ્યમથી ફરિયાદ કરી શકે તેવી સુવિધા ઊભી કરી તેનો વ્યાપક પ્રચાર કરવામાં આવે.

આ મુદ્દો કોઈ એક વેપારી કે ચોક્કસ શહેર પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતના જાહેર આરોગ્ય અને ખાસ કરીને આદિવાસી સમાજના ભાવિ સમાન બાળકો તથા યુવાનોના સ્વાસ્થ્ય સાથે સીધો જોડાયેલો ગંભીર વિષય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here