ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરમાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો-નેતાઓ, વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો—જોડાયા હતા. પ્રકૃતિ સાથે બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન અને મહા લોકરેલીનું આયોજન થયું હતું. ભાજપ, કોંગ્રેસ અને આપના આદિવાસી આગેવાનો સહિત વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જોકે, સ્થાનિક આદિવાસી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે પૂર્વ સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા તો કિશન પટેલ પણ આદિવાસી વિરોધી જ છે એવું લોકો કહી રહ્યા છે.

કિશન પટેલે અગાઉ આદિવાસી મતોના આધારે વલસાડ લોકસભા બેઠક પર બે વખત (2004 અને 2009) સાંસદ તરીકે કામગીરી બજાવી હતી. વલસાડ જિલ્લાના બહુલક આદિવાસી વિસ્તાર હોવાને કારણે તેમને કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.

સ્થાનિક લોકો અને આદિવાસી આગેવાનોમાંથી કેટલાકનું કહેવું છે કે આદિવાસી સમાજે જેમને મતો આપીને સાંસદ બનાવ્યા અને જેમણે તેના આધારે જીવન વ્યતીત કર્યું, તેમની ગેરહાજરી આદિવાસી લોકોની લાગણીને ઠેસ પહોંચાડનારી છે. તેઓ પૂછે છે કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા નેતાને માફ કરવામાં આવશે કે કેમ, અને કોંગ્રેસ દ્વારા તેમને આપવામાં આવેલી જવાબદારી મોટી ભૂલ સાબિત થશે કે કેમ. આ સવાલો હાલ ધરમપુરમાં લોકચર્ચાનો વિષય બન્યા છે.

ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હજારો લોકો જોડાયા હોવાના અહેવાલો છે. પરંપરાગત વાજિંત્રો, ડીજે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રેલી નીકળી હતી. કેટલાક કાર્યક્રમોમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ પણ વ્યક્ત કરાયો હતો. આવા મોટા આદિવાસી ઉત્સવમાં મુખ્ય નેતાઓની ગેરહાજરીને લઈને સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચા તીવ્ર બની છે. કિશન પટેલ અથવા કોંગ્રેસ પક્ષ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ મળી નથી. આદિવાસી સમાજની લાગણી અને નેતાઓની હાજરી-ગેરહાજરીનો મુદ્દો આગામી રાજકીય પ્રવૃત્તિઓમાં પણ અસર કરી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here