રાંચી: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં પારદર્શિતા અને ન્યાય માટે લડી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન સામે આખરે ઝારખંડ સરકારે ઝૂકવું પડ્યું છે. આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગણીઓને સ્વીકારીને રાજ્ય સરકારે ત્રણ મહત્વપૂર્ણ JPSC (ઝારખંડ જાહેર સેવા આયોગ) પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થી શક્તિની આ એક અભૂતપૂર્વ અને મોટી જીત માનવામાં આવી રહી છે.

સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, 14મી JPSC પરીક્ષા ઉપરાંત વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૫ની બેકલોગ પરીક્ષાઓને પણ રદ કરી દેવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિઓ અને અસમાનતાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ લાંબા સમયથી રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને આંદોલનના દબાણ વચ્ચે JPSCના ત્રણેય સભ્યોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ ઘટનાક્રમ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આગળ આવીને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે, ભવિષ્યની તમામ પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવશે અને દરેક ઉમેદવારને યોગ્ય ન્યાય મળશે.

ઝારખંડના વિદ્યાર્થીઓએ એકજુટ થઈને શાંતિપૂર્ણ પણ મક્કમ આંદોલન થકી સરકાર પાસે ન્યાય છીનવી લીધો છે. આ ઘટના બાદ ગુજરાતમાં પણ ચર્ચા જાગી છે કે, શું રાજ્યના યુવાનો અને પરીક્ષાર્થીઓ પાસે પણ પોતાના હક્કો અને પરીક્ષા સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે આવી રીતે મક્કમતાથી અવાજ ઉઠાવવાની હિંમત અને એકતા છે? ઝારખંડના આ આંદોલને દેશભરના વિદ્યાર્થી આંદોલનો માટે એક નવો દાખલો બેસાડ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here