ધરમપુર: વિશ્વ આદિવાસી દિવસ ૨૦૨૬ ની ઉજવણી દેશભરના ગામો અને શહેરોમાં ઉત્સાહભેર થઈ રહી છે, ત્યારે ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંબોસી ભવઠાણ ગામે આ વર્ષે ગામમાં જ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામના યુવાનો દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન અને પર્યાવરણની જાળવણીનો સુંદર સંદેશ આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમના પ્રારંભે સવારે આદિવાસી પરંપરા મુજબ ગામના વડીલો દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ આંબોસી અને શિશુમાળ ગામના દરેક ફળિયામાં આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો જેવાં કે કાંહળે, તુર, તારપા અને ડી.જે.ના તાલ સાથે એક ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન ગામના હેદપાડા ફળિયામાં આવેલા સૂર્યમુખ ગ્રાઉન્ડ પર પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે સમૂહમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રેલીના સમાપન બાદ યોજાયેલી સભામાં ગામના વડીલો તેમજ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર યુવાનોનું છોડ (વૃક્ષ) અને શાલ અર્પણ કરીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિશુમાળ પ્રાથમિક શાળા તેમજ જામલીયા વીરાંગના કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here