વલસાડ: આજે વલસાડ રક્તદાન કેન્દ્રમાંથી આવેલા એક ફોન કોલે ફરી એકવાર સાબિત કર્યું કે રક્તદાન માત્ર એક સામાન્ય કૃત્ય નથી, પરંતુ માનવતાનું સાચું રૂપ છે. કોઈ દર્દીને તાત્કાલિક રક્તની જરૂર હતી અને તે જરૂરિયાતે મને (હાર્દિકભાઈ) માનવતાનો સાચો અર્થ યાદ કરાવ્યો.
જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જે આપણને યાદ અપાવે છે કે પોતાના શરીરમાંથી આપેલું થોડુંક રક્ત કોઈ માતાના આંસુ લૂછી શકે છે, કોઈ પિતાના ધબકતા શ્વાસને સ્થિર કરી શકે છે, કોઈ બાળકને ફરીથી હસતું કરી શકે છે અને કોઈ પરિવારની આશાને જીવંત રાખી શકે છે. રક્તદાન અન્ય દાન કરતાં વિશેષ છે. પૈસા, સંપત્તિ કે ભેટો પછીથી પણ મળી શકે છે, પરંતુ જરૂરિયાતની ક્ષણે મળેલું રક્ત સીધું જીવન બચાવે છે. એટલે જ તેને “મહાદાન” કહેવામાં આવે છે.
એડવોકેટ હાર્દિકભાઈ કહે છે કે વલસાડ રક્તદાન કેન્દ્રના આવા કૉલ્સ નિયમિત આવતા રહે છે. દરેક કૉલ પાછળ કોઈ પરિવારની આશા અને કોઈ દર્દીની ધડકન છુપાયેલી હોય છે. રક્તદાન કરનાર વ્યક્તિ માત્ર થોડો સમય આપે છે, પરંતુ તે સમય કોઈના આખા જીવનનું કારણ બની શકે છે રક્તદાન કરવું જ જોઈએ… કારણ કે કોઈની ધડકન તમારા નિર્ણયની રાહ જોઈ રહી છે.
નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો વારંવાર આગ્રહ કરે છે કે સ્વસ્થ વ્યક્તિઓએ નિયમિત રક્તદાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. રક્તદાન માત્ર એક વ્યક્તિગત કૃત્ય નથી; તે સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. રક્તદાન કરો… કારણ કે કોઈની ધડકન તમારા નિર્ણયની રાહ જોઈ રહી છે.











