પારડી: માનવસેવા અને સામાજિક ઉત્તરાદાયિત્વના ભાવ સાથે કાર્યરત ‘જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ’ દ્વારા પોતાનું સેવાકાર્ય સતત આગળ ધપાવતાં કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા પરવાસા ગામે ટ્રસ્ટ દ્વારા પૂરગ્રસ્ત 18 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવી હતી
તાજેતરમાં આવેલા પૂરના કારણે અનેક પરિવારોને આર્થિક અને માનસિક નુકસાન સહન કરવું પડ્યું છે, જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પણ પડી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ અટકી ન જાય અને તેઓ ફરી નવા ઉત્સાહ તથા આત્મવિશ્વાસ સાથે પોતાના અભ્યાસની શરૂઆત કરી શકે, તેવા ઉમદા આશયથી જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા આ નાનકડો સેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક કીટ મળતા જ બાળકોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “કોઈપણ આપત્તિ સમયે બાળકોનું ભવિષ્ય ન રોકાય તે અમારી પ્રાથમિકતા છે. કીટ મેળવ્યા બાદ બાળકોના ચહેરા પર જે નિર્દોષ સ્મિત જોવા મળ્યું છે, તે જ અમારી સંસ્થા અને તમામ સ્વયંસેવકો માટે સૌથી મોટી પ્રેરણા છે.”
ગામના આગેવાનો અને વાલીઓએ જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટની આ સંવેદનશીલ કામગીરીને બિરદાવી હતી અને સંસ્થાના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.











