માંડવી: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ભારે તાંડવ અને અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંડવી તાલુકાના રાજપૂત બોરી ગામમાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે. આ જળપ્રલયની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો પર પડી છે, જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ટેક્સટાઇલ ઉદ્યોગકારોની માલિકી ધરાવતો અને અંદાજે 50 એકર જમીનમાં ફેલાયેલો વિશાળ સોલાર પાર્ક પૂરના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આમલી ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના લીધે ગોડધા ચેકડેમમાં અચાનક ભંગાણ સર્જાયું હતું અને પૂરના ધસમસતા પાણી સીધા રાજપૂત બોરી સ્થિત સોલાર પાર્કમાં ઘૂસી ગયા હતા. સોલાર પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતાં હાલ વીજ ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે.

પૂરના પાણીના ભારે પ્રવાહને કારણે સોલાર પાર્કને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જેમાં: કિંમતી સોલાર મોડ્યુલ્સ અને પેનલો, હાઇ-કેપેસિટી ઇન્વર્ટર્સ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ નેટવર્ક, ભારે લોખંડના સ્ટ્રક્ચર્સ તેમજ અન્ય મોંઘા ઇલેક્ટ્રિકલ સાધનો પાણીમાં ગરકાવ થઈ જતાં પ્લાન્ટને મોટો ફટકો પડ્યો છે. અનેક પ્લાન્ટ પાણીમાં ડૂબેલા હોવાથી નુકસાનની ગંભીરતા વધી ગઈ છે.

આ દુર્ઘટનામાં પ્રાથમિક અંદાજ મુજબ ₹૩૦ કરોડથી ₹૩૫ કરોડ જેટલું સંગીન આર્થિક નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સોલાર પાર્કના સંચાલકો, સ્થાનિક પ્રશાસન અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here