વડોદરા: જ્યાં અદમ્ય ઈચ્છાશક્તિ અને સખત પરિશ્રમ હોય ત્યાં શારીરિક ક્ષતિ પણ સફળતાના માર્ગમાં બાધા બની શકતી નથી, તે વાત વડોદરાની સ્નેહા રાઠવાએ સાબિત કરી બતાવી છે. નાનપણમાં વીજ કરંટના અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવવા છતાં હિંમત હાર્યા વગર સ્નેહાએ પ્રથમ પ્રયાસે જ GPSCની પરીક્ષા પાસ કરીને સમગ્ર રાજ્યમાં 14મો ક્રમ મેળવી એક અદ્ભુત મિસાલ કાયમ કરી છે.
વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વખતે સ્નેહાને આરએસએસ (RSS) પ્રેરિત ‘સંકલ્પ ગુરુકુલમ’ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક તૈયારીઓ, પુસ્તકાલય અને યોગ્ય માર્ગદર્શન જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ હતી. આ સંસ્થાના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ સ્નેહાએ GPSCની ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) ની પરીક્ષાની તૈયારી કરી અને પ્રથમ પ્રયાસમાં જ 14મો રેન્ક હાંસલ કર્યો.
બંને હાથ ગુમાવ્યા હોવા છતાં સ્નેહાએ પોતાના માતા-પિતાએ જોયેલું સરકારી અધિકારી બનવાનું સપનું સાકાર કર્યું છે. GPSCમાં મળેલી આ ભવ્ય સફળતા બાદ પણ સ્નેહા અહીં અટકવા માંગતી નથી. હવે તેનું આગામી લક્ષ્ય UPSC ની પરીક્ષા પાસ કરીને દેશની સેવા માટે IAS અધિકારી બનવાનું છે. સ્નેહાની આ સફળતા આજે દેશના લાખો યુવાનો માટે પ્રેરણાસ્રોત બની ગઈ છે.








