આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટીયા ગામે ગુજરાત ટિમ્બર ઓક્શન એસોસિએશનના સંચાલકોની માનવતા શૂન્ય હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડ (વોચમેન) ઈન્દુભાઈ પવાર તથા તેમના પરિવારને માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીનો પગાર આપવામાં આવ્યો ન હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે સિક્યુરિટી ગાર્ડે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી, તેમનું હાલમાં અવસાન થયું છે. પરિવારના મોભીના નિધન બાદ હવે તેમના પત્ની કમળાબેન ઈન્દુભાઈ પવાર આર્થિક સંકડામણ વચ્ચે લાચાર બનીને જીવી રહ્યા છે. આ ગરીબ પરિવાર પાસે હાલમાં ગુજરાન ચલાવવા માટે પણ પૂરતા સાધનો નથી.
સૌથી મોટો સવાલ એ છે કે, જે વ્યક્તિએ છ વર્ષ સુધી રાત-દિવસ એક કરીને સિક્યુરિટી તરીકે સેવા આપી, તેમનો હકનો પગાર કેમ આપવામાં આવ્યો નથી? એસોસિએશનના જવાબદાર સંચાલકો કેમ મૌન છે? મૃત્યુ બાદ પણ પરિવારે પોતાના હકના પૈસા મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
આ સમગ્ર મામલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર અને જવાબદાર સંચાલકો આ ગરીબ વિધવા મહિલાને બાકી પગારની રકમ સત્વરે ચૂકવે તેવી માંગ ઉઠી છે. જો વહેલી તકે પગાર ચૂકવવામાં નહીં આવે તો, આ મામલે આગળની રણનીતિ નક્કી કરી કાયદાકીય લડત આપવામાં આવશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.











