વલસાડ: વલસાડ તાલુકાના દુલસાડ ગામની ખાડીમાં કાળા રંગનું દુર્ગંધયુક્ત ગંદું પાણી વહેતું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે સ્થાનિક આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને દુલસાડના વતની ડો. નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને વિસ્તૃત પત્ર લખીને તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.
ડો. પટેલે પત્રમાં જણાવ્યું છે કે ખાડીમાં વહેતા આ શંકાસ્પદ ગંદા પાણીને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા છવાઈ ગઈ છે. આ પાણી ખાડીની જળચર જીવસૃષ્ટિ, આસપાસની ખેતી, ભૂગર્ભ જળ તથા સ્થાનિક લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેમણે આ બાબતના ફોટોગ્રાફ અને વિડિયો પુરાવા પણ સાથે રજૂ કર્યા છે. મુખ્ય માંગણીઓ: સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરાવવી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સ્થળ પર તપાસ કરી પાણીના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ કરાવવું, જો કોઈ ઉદ્યોગ, સંસ્થા કે વ્યક્તિ દ્વારા પર્યાવરણીય કાયદાનો ભંગ કરીને પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવી, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂરી હોય તો પ્રદૂષણના સ્ત્રોત પર તાત્કાલિક નિયંત્રણનાં પગલાં લેવાં, કરેલી કાર્યવાહીની વિગતો અરજદારને લેખિતમાં જણાવવી.
ડો. નિરવ ભુલાભાઈ પટેલ ખેરગામની છાંયડો હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને તેઓ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે પણ જાણીતા છે. તેમણે આ મુદ્દે સ્થાનિક આદિવાસી સમાજ તરફથી પણ આવેદન કર્યું છે. આ ફરિયાદ બાદ હવે જિલ્લા વહીવટી તંત્ર અને GPCBની કાર્યવાહી પર સ્થાનિકોની નજર છે.











