ચીખલી: ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામમાં એક હૃદયસ્પર્શી અને દિલને હલાવી દેતી ઘટના બની છે. ડો. વિશાલ પટેલના રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓના જીવ બચાવવા માટે તેમના વફાદાર શ્વાન ‘નેક્ટર’એ લોહી ભૂખા દીપડા સાથે અંતિમ શ્વાસ સુધી બાથ ભીડી અને પોતાનો જીવ આપી દીધો.

Decision News ને મળેલી જાણકારી મુજબ ઘટના અનુસાર, ગઈકાલે વહેલી સવારે રેસ્ટોરન્ટના કર્મચારીઓ રાત્રિનું કામ પતાવીને ખાટલા પર સૂઈ રહ્યા હતા. ત્યાં જ એક લોહી ભૂખો દીપડો ખોરાકની શોધમાં આવી પહોંચ્યો. આ સમયે રેસ્ટોરન્ટનો’ નેક્ટર’ નામનો શ્વાન ત્યાં હાજર હતો. દીપડાને જોતાં જ નેક્ટરે તેની સાથે બાથ ભીડી દીધી અને કર્મચારીઓને જાગૃત કરવા માટે અવાજ કરતો રહ્યો. તેણે અંતિમ શ્વાસ સુધી લડત આપી અને દીપડાને કર્મચારીઓ સુધી પહોંચવા ન દીધો. આ ઘટનામાં નેક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના અવસાનના સમાચારથી આખું ગામ શોકમગ્ન બની ગયું છે.

ડો. વિશાલ પટેલે જણાવ્યું કે, “ગઈકાલે વહેલી સવારે દીપડાના હુમલાથી મારો અત્યંત પ્રિય નેક્ટરનું અવસાન થયું. એણે પોતાનું બલિદાન આપીને બે માણસોની જાન બચાવી છે.” ડો. વિશાલ પટેલે વધુમાં કહ્યું, “નેક્ટર, તારું અચાનક ચાલ્યા જવું એક ક્યારેય ન પુરાય તેવો ઘા આપી ગયું. તારો એ વફાદાર પ્રેમ અને નિઃસ્વાર્થ સાથ અમારા હૃદયમાં હંમેશા જીવંત રહેશે. તને ખૂબ જ મિસ કરીએ છીએ.” આ ઘટના માનવી અને પ્રાણી વચ્ચેના અતૂટ બંધન અને વફાદારીનું જીવંત ઉદાહરણ બની રહેશે. નેક્ટરને યાદ કરીને પરિવારના સભ્યો આંસુ સારી રહ્યા છે. વન વિભાગની ટીમ દીપડાની તપાસમાં જોડાઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here