આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા ધૂળચોંડ ગામમાં અને તેની આસપાસના ચારથી પાંચ ગામોના સંપર્ક માટેનો મુખ્ય માર્ગ ચોમાસા દરમિયાન મોટી સમસ્યા બની રહ્યો છે. અહીં આવેલો પુલ નીચો હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન પાણી ફરી વળે છે, જેને કારણે ગ્રામજનોનો સંપર્ક તૂટી જાય છે.
આ માર્ગ પર આવેલા ગામોના લોકો માટે આ પુલ અવરજવર માટે અત્યંત મહત્વનો છે. પુલની ઊંચાઈ ઓછી હોવાથી જ્યારે પણ નદીમાં પાણીની સપાટી વધે છે, ત્યારે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને તાત્કાલિક સારવાર લેવા જતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક ગ્રામજનોએ વહીવટીતંત્ર અને સરકાર સમક્ષ આ પુલને તાત્કાલિક ધોરણે ઊંચો કરવાની માંગ ઉઠાવી છે, જેથી વર્ષભર નિર્ભયપણે અવરજવર કરી શકાય.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દર વર્ષે ચોમાસામાં પડતી આ મુશ્કેલી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવતો નથી. પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે કે લાંબો રસ્તો કાપીને જવાની ફરજ પડે છે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય આયોજન કરવામાં નહીં આવે, તો ગ્રામજનોએ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.
BY: મિલન ધુળે (ડાંગ)











