ધરમપુર: ધરમપુર પોલીસ મથક હેઠળના પંગારબારી આઉટપોસ્ટમાં પ્રોહિબિશનના કેસમાં લાંચ માંગવાના આરોપમાં ફરાર ASI કિશોરભાઈ મનુભાઈ ગાવિતે આખરે સ્વયં વલસાડ એન્ટી કરપ્શન બ્યુરો કચેરીમાં હાજરી આપી છે. ACB એ તેમની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને નવસારી સબજેલમાં મોકલી આપ્યા છે.

આ કિસ્સામાં પંગારબારી આઉટપોસ્ટમાં ફરજ બજાવતા ASI કિશોરભાઈ ગાવિત અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ યશવંતભાઈ ભોયાએ પ્રોહિબિશન કેસમાં ઝડપાયેલા એક વ્યક્તિને હેરાન ન કરવા, લોકઅપમાં ન મૂકવા અને કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી આપીને રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. વાટાઘાટ બાદ સોદો રૂપિયા 8 હજારમાં નક્કી થયો હતો. ફરિયાદીએ અગાઉ રૂપિયા 3 હજાર ચૂકવી દીધા હતા. બાકીના રૂપિયા ૫ હજારની માંગણી થતાં ફરિયાદીએ વલસાડ ACB નો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જ્યારે ASI કિશોરભાઈ ગાવિત સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ગત શનિવારે ફરાર ASI કિશોરભાઈ ગાવિત સ્વયં ACB કચેરીમાં હાજર થયા હતા. ACB ના પોલીસ ઈન્સ્પેક્ટર જગદીશ ગામીતે જણાવ્યું કે, આરોપીની હાજરી બાદ તેમની ધરપકડ કરી કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરી નવસારી સબજેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here