અનાવલ: આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતા સુરત જિલ્લાના નવનિર્મિત અંબિકા તાલુકામાં અનાવલ APMC માં ખેતપેદાશોની હરાજી નહીં થતી હોવાથી ખેડૂતોના શોષણ થવાની ફરિયાદો વખતોવખત ઉઠતી આવેલ છે.આશરે 25 જેટલાં ગામોના ખેડૂતોએ પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી લાચારીવશ ખેરગામ, ચીખલી, સુરત, ઉનાઈ, વ્યારા સહિતના સ્થળોએ પોતાની ખેતપેદાશો આપવા જવુ પડતું હોય છે જેનાથી ખેડૂતોનો કિંમતી સમય અને બળતણ અને રૂપિયા ત્રણેયનો વ્યય થતો હોય છે. આમ ખેડૂતો ત્રસ્ત,લેભાગુ વેપારીઓ અલમસ્ત” જેવી વેપાર નીતિથી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.
આ બાબતે ખેરગામના યુથલીડર અને છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે APMC સંચાલકો અને વેપારીઓનો ઉધડો લેતા તાત્કાલિક હરાજી ચાલુ કરવાની માંગ કરી છે અને આદિવાસી વિસ્તારોમાં રહી આદિવાસીઓનું શોષણ કરશો તો કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત ડો.પટેલે એપીએમસીમાં ખેડૂતોને દરેક ચીજવસ્તુઓનો રોજનો ભાવ દેખાય એ રીતે ડિસ્પ્લે બોર્ડ મુકવા તેમજ મણના 20 ના બદલે 22-24 કિલો વસુલતા લૂંટારા વેપારીઓ પર લગામ કસી ખેડૂતોનું શોષણ અટકાવવા રજૂઆત કરી છે. આ બાબતે ઉપસ્થિત ખેડૂતોએ વેદના વ્યક્ત કરતા જણાવેલ કે અન્યો માર્કેટો કરતા અમને અહીંયા ખુબ જ નીચા ભાવ મળે છે અને વેપારીઓ પાસે કોઈ રજૂઆત લઈને જઈએ તો વેપારીઓ અમારું સાંભળતા નથી અને બધા ભેગા મળીને માલ ખરીદવાનું બંધ કરી દેતા હોય છે.
આ બાબતે APMC સમિતિ દ્વારાl લૂલો બચાવ કરતા જણાવેલ કે સ્ટાફની અછત છે અને હરાજી કરવાથી વેપારીઓ માર્કેટયાર્ડ છોડી શકે છે. તેની સામે ખેડૂતોએ આક્રોશથી જણાવ્યું હતું કે જે વેપારીઓએ માર્કેટયાર્ડ છોડીને નીકળી જવુ હોય તો વાંધો નથી પણ હવે અમને અમારું શોષણ મંજુર નથી. બીજી માર્કેટયાર્ડમાં જો હરાજી થતી હોય તો અનાવલમાં પણ હરાજી ફરજીયાત થવી જ જોઈએ. નહિતર તો રેલી કાઢીશું, આંદોલન કરીશું અને જરૂર પડશે તો તાળાબંધી કરતા પણ અચકાઈશું નહીં. આ પ્રસંગે વરસતા ભરવરસાદમાં તાલુકા પંચાયત સભ્ય ઉત્તમભાઈ, માજી ડાયરેક્ટર ઝવેરભાઈ, સુનિલભાઈ કુમકોતર, ઠાકોરભાઈ, રાકેશભાઈ, અમૃતભાઈ, હેમંતભાઈ, ભાવિક, હિતેશભાઇ, સુનિલભાઈ, કનુભાઈ, નિલેશભાઈ, વિપુલભાઈ મૈસુરીયા સહિતના અનેક આગેવાનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ
સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને થતો અન્યાય કોઈપણ કાળે ચલાવી લઈશું નહીં એવો દ્રઢ નિર્ધાર કર્યો હતો. ઉપરાંત મિટિંગમાં જાતિના બોગસ પ્રમાણપત્રો, ખેડૂતોલક્ષી યોજનાઓના વ્યાપક અમલીકરણની ચર્ચા નીકળી હતી. ખેડૂતોનો આક્રોશ જોતા જો ટૂંક સમયમાં હરાજી નહીં શરું થાય તો આંદોલન અવશ્ય થશે એવું સ્પષ્ટ પ્રતીત થઇ રહ્યું છે. કૃષિમંત્રી આવનાર સમયમાં શું પગલાં લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.











