ગુજરાત: ડાયરા બિઝનેસમેન માયાભાઈ આહિરે એવું કીધું કે લોકો રેશનિંગનું ખાય છે. રેશનિંગનું કોણ ખાય છે ? માયાભાઈ, તમે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા ખરીદવા જાવ છો ખરા ? ના. નહીં જતા હો. કારણ કે તમે ધનવાન છો. એ તો ગરીબો જાય છે. કે જે લોકોને 5 કિલો મફત અનાજ દર મહિને આપવામાં આવે છે, છેલ્લા કેટલાક વર્ષોથી, અને 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, અને 1 રૂપિયા કિલો જુવાર-બાજરી અને મકાઈ જેવું બરછટ અનાજ, આપવામાં આવે છે, એ કાયદા હેઠળ આપવામાં આવે છે, 2014માં એ કાયદો થયેલો છે, નરેન્દ્ર મોદીની સરકાર આવી તે પહેલાં. મનમોહનસિંહની સરકારે એ કાયદો કરેલો. એ કાયદા હેઠળ આપવામાં આવી રહ્યું છે આ રેશનિંગનું અનાજ.
હવે સવાલ એ છે કે આ શું સરકારનું ‘દયાદાન’ છે? અથવા તમારા જેવા ધનવાનોએ કરેલું દયાદાન છે? તમે ચોક્કસ એવું સમજતા હશો, એટલા માટે તો તમે આવું બોલો છો કે સરકાર અમારી પાસેથી ટેક્સ લે છે અને ગરીબોને મફતમાં અનાજ આપે છે.
ભારતના બંધારણમાં, પ્રકરણ નંબર 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં આર્ટિકલ-39માં એવું લખેલું છે કે ગરીબો, વંચિતો, પીડિતો, દલિતો, વૃદ્ધો, વિકલાંગો, બાળકો, સ્ત્રીઓ, બીમારો, અશક્તો, વગેરેની કાળજી લેવાની જવાબદારી સરકારની રહેશે. અને આ ક્યારે લખેલું, માયાભાઈ? 26 જાન્યુઆરી 1950. તમે અને હું બંને જન્મ્યા, એ પહેલાં આ લખેલું છે. અને એ હજુ છે જ. એનો અર્થ એવો થયો કે સરકારે એમની કાળજી લેવાની જ છે, જે લોકો ગરીબ છે. એ એની ફરજ છે. એવું બંધારણ કહે છે.
ભારતના બંધારણની પહેલી લીટી શરૂ થાય છે, ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’, અમે ભારતના લોકો. તો આ ‘અમે’માં જે 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે, એ ખરા કે નહીં? જો એ ભારતના નાગરિકો હોય, અને એ ગરીબો હોય, વંચિતો હોય, પીડિતો હોય, વૃદ્ધો હોય, અશક્તો હોય, બીમારો હોય, તો સરકારની જવાબદારી ખરી કે નહીં? અને જો હોય, તો એમાં તમને વાંધો શું છે ? દુનિયાભરમાં સરકારો ધનવાનો પાસેથી વધારે વેરો વસૂલ કરે છે અને ગરીબો માટે કામ કરાવે છે. એટલે ગરીબોની કાળજી સરકાર લેતી હોય, તો એમાં તમારા પેટમાં ચૂંક ના આપવી જોઈએ.
અને બીજો અગત્યનો મુદ્દો, આ રેશનિંગમાં અનાજ આપે છે, તો એમાં સરકાર કેટલા પૈસા ખર્ચે છે? લગભગ 2,03,000 કરોડ રૂપિયા. સરકારનું કુલ બજેટ કેટલું ? 54 લાખ કરોડ રૂપિયા. એનો અર્થ એવો થયો ને કે લગભગ 4% કરતાં પણ સહેજ ઓછી રકમ થઈ. જે ગરીબોને અનાજ આપવા માટે ખર્ચાય છે, રેશનિંગમાં. કયા લોકોને? લગભગ 80 કરોડ લોકોને. એમની કુલ વસ્તીમાં કેટલી થઈ? લગભગ 55%. આ 55% ને 4% ખર્ચ જેટલું અનાજ આપવામાં આવે છે. એમાં તમને પેટમાં કેમ દુખે છે ? તમે પેલા સ્ટેજ ઉપર જે નોટો ઉછાળવામાં આવે છે, અને એના જે ઢગલા થાય છે, એમાં તમે આળોટો છો. એટલા માટે તમને પેટમાં દુખે છે ?
BY: (હેમંતકુમાર શાહના લેખમાંથી થોડો અંશ)











