રાષ્ટ્રીય: આઝાદ હિંદ ફોજની મહિલા પાંખ ‘ઝાંસીની રાણી રેજિમેન્ટ’માં જોડાઈને ભારતની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનારી નીરા આર્યનું જીવન આજે પણ ભારતની મહિલાઓમાં દેશભક્તિ અને બલિદાનનું અદ્ભુત ઉદાહરણ છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે ગુપ્ત માહિતી એકત્ર કરતી નીરા આર્ય પર જ્યારે એક મોટી કસોટી આવી ત્યારે તેમણે દેશને પોતાના સંસારથી ઉપર મૂક્યો. બ્રિટિશ સરકારે તેમના પતિ શ્રીકાંત જયરંજન દાસને નેતાજીની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. આ ષડયંત્રની જાણ થતાં નીરાએ અચકાયા વિના પોતાના પતિને છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધા અને નેતાજીનો જીવ બચાવ્યો. પતિની હત્યા અને આઝાદ હિંદ ફોજની પીછેહઠ પછી નીરા આર્ય બ્રિટિશ સેના દ્વારા પકડાઈ ગયા. તેમને દેશદ્રોહના આરોપમાં આંદામાન-નિકોબારની કુખ્યાત સેલ્યુલર જેલ (કાલાપાણી)માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

જેલમાં નેતાજીનું સરનામું જાણવા માટે બ્રિટિશ જેલરોએ તેમના પર અમાનુષી અત્યાચારો ગુજાર્યા. એક વખત તો જેલર તેમના સ્તનોને કાપી નાખવા માટે લોખંડની સાણસી લઈને આવ્યો. અસહ્ય યાતનાઓ વચ્ચે પણ નીરા આર્યે હિંમતપૂર્વક જવાબ આપ્યો કે, “નેતાજી મારા હૃદયમાં વસે છે. જો તમે તેમને શોધવા માંગતા હોવ તો મારું હૃદય ચીરી નાખો.” નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદીની લડત માટે પોતાના પરિવાર, સુખ અને શરીરની કિંમત ચૂકવનારી નીરા આર્ય આજે પણ ભારતીય મહિલાઓની દેશભક્તિ અને બલિદાનનું પ્રતીક બની રહી છે. આવી અનેક અજ્ઞાત વીરાંગનાઓના બલિદાનને યાદ કરીને આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here