ધરમપુર: કાંગવી ગામના રાવુત ફળિયામાં એક ઝેરી ઈન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબ્રા (નાગ) દેખાતાં સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. સમયસર વનવિભાગ અને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટીમની સક્રિયતાથી સાપને સહીસલામત રીતે બચાવીને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો છે.

Decision News ને મળેલી ઘટનાની વિગતો અનુસાર, કાંગવી ગામના રહેવાસી શ્રી વિકાસભાઈ કનુભાઈ પટેલના ઘરના પગથિયાં પાસે કોબ્રા જોવા મળતાં તેમણે તરત જ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી, ધરમપુર વિભાગના રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડ અને જીજ્ઞેશભાઈ પટેલને સૂચના આપી. તેમની મદદથી ધરમપુર વન વિભાગના RFO શ્રીમતિ હેતલબેન ભંડારી અને સ્ટાફને જાણ કરવામાં આવી. સાપ ઉંદરના દરમાં ભરાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી. ટીમે બોરમાં મોટર વડે પાણી પમ્પ કરી લગભગ એકથી બે કલાકની સતત મહેનત પછી સાપને સહીસલામત રીતે બહાર કાઢ્યો. ત્યારબાદ તેને ધરમપુર વન વિભાગના સ્ટાફ સાથે મળીને ફોરેસ્ટના એકાંતવાળા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો.

વન્યજીવોના રક્ષણ માટે સર્વેને અપીલ કરવામાં આવી છે કે, નાગ, કામળિયો, અજગર કે અન્ય કોઈ વન્યપ્રાણી ઘર આસપાસ કે ગામમાં જોવા મળે તો સીધા વનવિભાગને જાણ કરવી અને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયાડના મોબાઈલ નંબર 7990977336 અથવા 8469361533 પર સંપર્ક કરવો. વન્યજીવોને મારવાને બદલે બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here