ઉનાઈ: વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં સિઝનના પ્રથમ ધોધમાર વરસાદે વિસ્તારને જળબંબાકાર બનાવી દીધો. થોડા જ કલાકના વરસાદે પ્રિમોન્સૂન તૈયારીઓની ક્ષમતા પર સવાલો ઊભા કર્યા છે. વાપી-શામળાજી હાઇવે પર ખંભાલિયા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પૂરેપૂરો ખોરવાઈ ગયો હતો. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Decision news ને મળેલી માહિતી મુજબ ઉનાઈના માછીવાડા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન વેઠવું પડયું હતું. સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે કે ધારાસભ્ય અનંત પટેલના નિવાસસ્થાનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું હતું, જેના કારણે નુકસાન થયું. આ ઉપરાંત ઉનાઈ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલી પોલીસ ક્વાર્ટરમાં પણ પાણી ઘૂસી ગયું હતું. પરિણામે પોલીસ કર્મચારીઓને કામગીરીમાં અડચણોનો સામનો કરવો પડ્યો હતો.
જાહેર સ્થળો પર પણ પાણી ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે મુખ્ય ગટરમાં કચરો અને કીચડ ભરાઈ જવાને કારણે પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હતો.આ ઘટનાએ વરસાદ પહેલાં ગટર સફાઈ, ડ્રેનેજ સિસ્ટમ અને પાણીના નિકાલ વ્યવસ્થાની તૈયારી અંગે ફરી એક વાર પ્રશ્નો ઉઠાવ્યા છે.











