ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ વિતરણ લાઇનો અને વીજ ટાવરો માટે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

આ નવા નિર્ણય અનુસાર, અગાઉ જંત્રી મૂલ્યના 200% વળતર આપવામાં આવતું હતું, તેના બદલે હવે ખેડૂતોને તેમની જમીનના પ્રવર્તમાન બજારભાવના બમણા ભાવે વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ટાવરના બેઝની આસપાસ ૧ મીટરના વિસ્તારને પણ ગણતરીમાં લેવામાં આવશે. સરકારે એ પણ નક્કી કર્યું છે કે ખેડૂતોને સમગ્ર વળતરની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે, જેથી તેમને આર્થિક અનુકૂળતા મળી રહે.

આ નિર્ણય વિશે વાત કરતાં સરકારી સૂત્રોએ જણાવ્યું કે, “ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણય રાજ્ય સરકારના કિસાન હિતલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવે છે.” ખેડૂત સંગઠનો અને કૃષિ વર્તુળોમાં આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ પગલાથી વીજ પ્રકલ્પોના વિસ્તારમાં પણ વેગ આવશે તેવી અપેક્ષા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here