સુબીર: આદિવાસી વિસ્તારોમાં સર્પદંશની સારવાર માટે વિશ્વવિખ્યાત સાંઈનાથ હોસ્પિટલ્સના અગ્રણી ડો. ધીરૂભાઈ પટેલે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ ગામ બીલબારીમાં એક મહત્વપૂર્ણ સેવાકાર્ય કર્યું છે. તેમણે ગામના મહિલા તેમજ પુરુષ ખેડૂતોને ૨૩૦થી વધુ સર્પ-પ્રતિરોધક ગમબુટ્સ (સ્પેશિયલ બુટ્સ) વિતરિત કર્યા છે.
આ વિતરણ પ્રસંગે ગામ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. વર્ષોથી સર્પદંશના કિસ્સાઓથી પીડાતા આ વિસ્તારના આદિવાસી લોકો માટે આ પગલું મોટી રાહત સમાન છે. ગમબુટ્સ મેળવનારા મહિલા ખેડૂતોએ ડો. પટેલનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આ બુટ્સ તેમના જીવનને સુરક્ષિત બનાવશે. ડો. ધીરૂભાઈ પટેલે આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારોમાં વધતા સર્પદંશના કિસ્સાઓ વિશે જાગૃતિ પણ આપી. તેમણે કહ્યું, “ખેતી-કામ દરમિયાન, વરસાદી પાણીમાં, અંધારામાં અને અયોગ્ય જગ્યાએ ચાલવું એ સર્પદંશના મુખ્ય કારણો છે. આવા સમયે આ ગમબુટ્સનો ઉપયોગ જીવનરક્ષક સાબિત થશે

આદિવાસી સમાજ અને ગ્રામીણ વિસ્તારોના ઉત્થાન માટે સતત કાર્યરત ડો. ધીરૂભાઈ પટેલના આ પ્રયાસને સ્થાનિકો તરફથી ભારે પ્રશંસા મળી રહી છે. તેમના આવા સેવાકાર્યો સમાજમાં પ્રેરણાદાયી છે. આ પ્રસંગે સ્થાનિક જંગલખાતાના મહિલા અધિકારી, સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. અંકિતભાઈ અને ગામના સરપંચશી પણ ઉપસ્થિત રહી આ સેવા કાર્યને સફળ બનાવ્યું હતું.











