ડોલવણ: આજરોજ ડોલવણ તાલુકામાં લાંચરૂપી ભ્રષ્ટાચારની ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. આજે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવાસદન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ કટારાને 25,000 રૂપિયાની લાંચ લેતા અંતિમ સ્થિતિમાં ACB ની ટીમે ઝડપી પાડ્યા છે.
Decision News ને મળેલી ઘટનાની વિગતો:
ફરિયાદીએ ડોલવણ તાલુકાના કમલાપોર વિસ્તારમાં આવેલી ખેતીની જમીન (બ્લોક નં. 38)ને જરાયતમાંથી બાગાયતીમાં તબદીલ કરવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ કામ કરવાના બદલામાં નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારાએ 25,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે તુરંત ACBને જાણ કરી હતી. ACBની ટીમે આજે ઓફિસમાં જ લાંચનું છટકું ગોઠવ્યું અને આરોપી અધિકારી ૨૫,૦૦૦ રૂપિયા સ્વીકારતા જ તેમને સ્થળ પર જ દબોચી લીધા.
ACBની ટીમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ અગાઉ પણ ડોલવણ તાલુકા પંચાયતના તત્કાલીન TDO અને એક કર્મચારી ACBના હાથે લાંચ લેતા રંગે હાથે પકડાઈ ચૂક્યા છે. આ ઘટનાઓથી સ્થાનિક વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારની ગંભીર સમસ્યા સામે આવી છે.











