અનાવલ: મહુવાના ગાંગડીયા ગામમાં હિંદુ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર યોજાયેલ મોક્ષમાર્ગી દેવાકાકાની બારમાની પુષ્પાપાણી વિધિમાં હજારો લોકોની મોટી મેદની ઊમટી હતી. આદિવાસી સમાજમાં આવી વિધિમાં આજ સુધીમાં સૌથી વધુ માણસોની હાજરી અને 5000 થી વધુ તાંબાની ડીશનું વિતરણ એક અનોખો રેકોર્ડ બની રહ્યો છે.
સ્થાનિકોના કહેવા પ્રમાણે, કોઈ રાજકારણી કે મોટા વ્યક્તિના કાર્યક્રમ કરતાં પણ વધુ માન અને સન્માન દેવાકાકાને પ્રાપ્ત થયું. વિધિના પહેલાંના દિવસોમાં પણ સરેરાશ 300૩ માણસોની અવરજવર જોવા મળી હતી. સાહિત્યકારો અને સમાજના જાણકારોના મતે, “શુભ દિવસે નહીં પણ અશુભ દિવસે જે લોકો ભેગા થાય તે વ્યક્તિની સાચી કિંમત છે.” આ વાતને દેવાકાકાએ જીવનથી સાર્થક કરી બતાવી.
Decision News એ મેળવેલ જાણકરી મુજબ દેવાકાકાએ 82 વર્ષના જીવનમાં 3991 થી વધુ સત્સંગ પ્રોગ્રામો યોજ્યા હતા. 12 વર્ષની નાની ઉંમરથી ભજન-કીર્તનની શરૂઆત કરીને છેલ્લા 70 વર્ષ સુધી તેઓ સતત ભજન કીર્તનમાં રત રહ્યા. તેમનું સૌથી પ્રિય ભજન “જમનાજીને કાંઠે કદમનું રે ઝાડ…” (મોટાં મંજીરા સાથે) આજે પણ લોકોના હૃદયમાં વાગી રહ્યું છે. આદિવાસી સમાજના મોક્ષમાર્ગીઓ, “આવી કળા, આવો સત્સંગ અને આવા મહાન આત્મા હવે ફરી પાકવો અશક્ય છે.” દેવાકાકાના આ મહાન આત્માને અસંખ્ય શ્રદ્ધાળુઓ નતમસ્તક વંદન કરી રહ્યા છે.











