પારડી: આજે પોલિયો રવિવારના અવસરે પારડી તાલુકાના ખેરલાવ ગામે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના નાના ભૂલકાઓને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા અને પોલિયો મુક્ત સમાજનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
સરપંચ મયંક પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, “દરેક બાળકનું સ્વસ્થ અને પોલિયો મુક્ત ભવિષ્ય સુનિશ્ચિત કરવું એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.” તેમણે અપીલ કરી કે વાલીઓએ પોતાના બાળકોને નિયમિત રીતે પોલિયોના ટીપાં પીવડાવવા અને અભિયાનમાં સક્રિય સહભાગી બનવું જોઈએ.
કાર્યક્રમ દરમિયાન “બે ટીપાં જીવનના, પોલિયો મુક્ત ભવિષ્યના”ના સૂત્ર સાથે બાળકોને રસી આપવામાં આવી. આખા ગામમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું જેથી કોઈ પણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે. પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આવા કાર્યક્રમો દ્વારા જિલ્લા તેમજ રાજ્ય સ્તરે પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવાના લક્ષ્યને હાંસિલ કરવામાં મદદ મળી રહી છે.











