દિલ્લી: નક્સલ પ્રભાવિત છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દાયકાઓથી અવિરત સમાજસેવા કરતાં “બડી દીદી” તરીકે પ્રસિદ્ધ ડૉ. બુધરી તાતીને ભારત સરકારે વર્ષ 2026નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો છે. લગભગ 40 વર્ષથી સતત સેવા કરતાં બુધરી તાતીએ પગપાળા જઈને બસ્તરના અંદાજે 570થી વધુ ગામોમાં કાર્ય કર્યું છે. તેમનું મુખ્ય ધ્યેય દૂર-સુદૂરના જંગલી અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતી દીકરીઓને શિક્ષણ સાથે જોડવાનું અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું રહ્યું છે.
નક્સલ પ્રભાવિત અને જંગલી વિસ્તારોમાં અનેક પડકારો અને જોખમો વચ્ચે પણ “બડી દીદી” ગામે-ગામ જઈને માતા-પિતાને સમજાવતાં રહ્યાં કે દીકરીઓને શાળામાં મોકલવી કેટલી જરૂરી છે. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે અનેક ગામોમાં છોકરીઓના શાળામાં દાખલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને મહિલાઓમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક જાગૃતિ ફેલાઈ છે.
ભારત સરકારે તેમના આ લાંબા સમયના નિ:સ્વાર્થ અને સમર્પિત સેવાકાર્યને માન આપતાં દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી સન્માનથી નવાજ્યા છે. સ્થાનિક આદિવાસી સમાજ માટે બુધરી તાતી માત્ર એક સામાજિક કાર્યકર નથી, પરંતુ જીવંત પ્રેરણા છે. આજે પણ તેઓ લોકોના હૃદયમાં “બડી દીદી” તરીકે વસે છે. આ સન્માનથી બસ્તરના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ખુશીનો માહોલ છે. તેમના કાર્યને અનેક લોકો પ્રેરણાદાયી માનીને આ સન્માનને સમગ્ર છત્તીસગઢ અને ખાસ કરીને બસ્તરની દીકરીઓની જીત તરીકે જોઈ રહ્યા છે.











