ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાની વિખ્યાત સરકારી શાળા વિદ્યામંદિર શેરીમાળ ખાતે આજે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. નાણાં વિભાગ, ગાંધીનગરના નાયબ સચિવ સુશ્રી જાગૃતિ ડી. સુથાર મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ વર્ષે શાળામાં 19 બાળકોએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આ સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે વાલીઓમાં વધતા વિશ્વાસને દર્શાવે છે. શાળામાં હાલ 30થી વધુ ગામના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે નવા પ્રવેશના આંકડા પ્રમાણે આંગણવાડીમાં 6, બાલવાટિકામાં 42, ધોરણ-1માં 12 અને ધોરણ 2થી 8માં 36 બાળકોએ દાખલા મેળવ્યા છે.

આ કાર્યક્રમ દરમિયાન CET, PSE, NMMS, CGMS તેમજ મેથ્સ ઓલિમ્પિયાડમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ, 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને વાર્ષિક પરીક્ષામાં ટોપ-3માં આવેલા વિદ્યાર્થીઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા છેલ્લા ચાર વર્ષથી પ્રવેશોત્સવની તકે વિદ્યાર્થીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગ્રીન ગિફ્ટ આપે છે. આ વર્ષે કુલ 171 કેસર આંબાની કલમો તેજસ્વી તેમજ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પહેલ સમગ્ર વિસ્તારમાં પ્રશંસાનું કેન્દ્ર બની છે.

કાર્યક્રમમાં TPEO શ્રીમતી કૌશરજહાં કસલી, BRC કો-ઓર્ડિનેટર પ્રકાશભાઈ પટેલ, CRC કો-ઓર્ડિનેટર એન.એન. ગામીત, SMC સભ્યો, સરપંચ શ્રી દિવ્યાંગ પટેલ, વાલીઓ અને ગ્રામજનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. મુખ્ય અતિથિ સુશ્રી જાગૃતિ સુથાર સહિત તમામ મહાનુભાવોએ શાળા પરિવારની સતત મહેનત અને પ્રગતિની પ્રશંસા કરીને “Keep it up” કહીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમે સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિના મિશ્રણનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.











